Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

અભિનેત્રી જૂહી ચાવલા પર લાદવામાં આવેલા ખર્ચને ઘટાડવા દિલ્હી હાઈકોર્ટની સંમતિ : 5G ટેક્નોલોજીના રોલ-આઉટને પડકારતી અરજી કરી હતી : ખર્ચ ₹20 લાખથી ઘટાડી ₹2 લાખ કરી આપવાની તૈયારી : નામદાર કોર્ટે DSLSA ના કાર્યક્રમમાં ભાગ લઇ ઇમેજનો ઉપયોગ સમાજના ભલા માટે કરવાની શરત મૂકી : આગામી સુનાવણી 27 જાન્યુઆરીના રોજ

ન્યુદિલ્હી : અભિનેત્રી જૂહી ચાવલા પર લાદવામાં આવેલા ખર્ચને ઘટાડવા દિલ્હી હાઇકોર્ટે સંમતિ આપી છે. તેણે 5G ટેક્નોલોજીના રોલ-આઉટને પડકારતી અરજી કરી હતી . તેના ઉપર ₹20 લાખ રૂપિયાનો ખર્ચ લાદવામાં આવ્યો  હતો.તેથી તેણે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેના અનુસંધાને નામદાર કોર્ટે જણાવ્યું હતું કે જો તે  દિલ્હી રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના કાર્યક્રમમાં ( DSLSA ) જાહેર કાર્ય કરી લોકોને પ્રેરણા આપતી પોતાની ઇમેજનો ઉપયોગ કરે તો આ ખર્ચ  ₹20 લાખથી ઘટાડી ₹2 લાખ કરી અપાશે .

ન્યાયમૂર્તિ વિપિન સાંઘી અને જસમીત સિંહની બેન્ચે જો કે ઉમેર્યું હતું કે ચાવલાના દરજ્જાનો ઉપયોગ “સમાજના ભલા” માટે થઈ શકે છે અને તેથી, તેમણે કેટલાક જાહેર કાર્ય કરવા પડશે જેમાં દિલ્હી રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના કાર્યક્રમમાં ભાગ લેવાનો સમાવેશ થઈ શકે. DSLSA).

કોર્ટ ચાવલા અને અન્ય બે દ્વારા દાખલ કરાયેલી અપીલની સુનાવણી કરી રહી હતી જેમાં સિંગલ-જજના આદેશને પડકારવામાં આવ્યો હતો જેણે 5G ટેક્નોલોજીના રોલ આઉટ સામેની તેમની અરજીને ફગાવી દેતી વખતે તેમના પર ₹20 લાખનો ખર્ચ લાદ્યો હતો.

ચાવલા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સલમાન ખુર્શીદે દલીલ કરી હતી કે આ ખૂબ જ વિચિત્ર પરિસ્થિતિ છે અને અરજદારે માનવ શરીર પર 5G ટેક્નોલોજીની અસર અંગે સાચી ચિંતા વ્યક્ત કરી હતી.

ખુર્શીદે જણાવ્યું હતું કે આ ટેક્નોલોજીએ યુનાઇટેડ સ્ટેટ્સમાં એક મોટી ચિંતા ઊભી કરી છે જ્યાં 5G એવિએશનમાં એરપ્લેન કોમ્યુનિકેશન ડિવાઇસમાં દખલ કરીને સમસ્યા ઊભી કરી રહી છે તે અંગે ચર્ચા ચાલી રહી છે.

તેમણે કહ્યું કે અરજદારે યુએસ કોર્ટનો ચુકાદો પણ મૂક્યો હતો અને આ એક સાચો કેસ હતો જે તકનીકીમાં ફસાઈ ગયો હતો.

 

ચર્ચા પછી, ન્યાયાધીશોએ કહ્યું કે તેઓ ખર્ચને નોંધપાત્ર રીતે ઘટાડીને ₹20 લાખથી ₹2 લાખ કરશે પરંતુ ચાવલાએ કેટલાક જાહેર કામ કરવા પડશે . તેઓ ખુબ જાણીતા અભિનેત્રી છે. તેથી તેમની ઇમેજનો ઉપયોગ સમાજના ભલા માટે થાય તે હિતાવહ છે. આગામી સુનાવણી 27 જાન્યુઆરીના રોજ થશે તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(5:43 pm IST)