Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

કોરોનાના કેસમાં ઘટાડો

૨૪ કલાકમાં ૨,૫૫,૮૭૪ નવા કેસ નોંધાયા : ૬૧૪ લોકોના મોત

નવી દિલ્‍હી તા. ૨૫ : કોરોના વાયરસના નવા કેસોમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૨.૫ લાખથી વધુ દર્દીઓ મળી આવ્‍યા છે. જો કે, મૃત્‍યુઆંક હજુ પણ ચિંતાનો વિષય છે. હાલમાં દેશમાં કોવિડ ચેપનો દર ૧૫.૨ ટકા છે. તે જ સમયે, દેશમાં ૨૨ લાખથી વધુ કોરોના સક્રિય કેસ છે.
આ પહેલા સોમવારે દેશમાં કોરોનાનાં ૩.૦૬ લાખ કેસ નોંધાયા હતા. એટલે કે આજે ૫૦,૧૯૦ ઓછા કોરોનાનાં કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોના વાયરસનાં ૨,૫૫,૮૭૪ નવા કેસ નોંધાયા છે, જયારે ૨,૬૭,૭૫૩ લોકો સ્‍વસ્‍થ થયા છે અને ૬૧૪ લોકોનાં કોરોનાનાં કારણે મોત થયા છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૪,૯૦,૪૬૨ લોકોનાં કોરોનાથી મોત થયા છે. વળી, ૩,૭૦,૭૧,૮૯૮ લોકોએ કોરોનાને હરાવ્‍યો છે. દેશમાં હાલમાં કોરોનાનાં ૨૨,૩૬,૮૪૨ સક્રિય દર્દીઓ છે.
કોરોના ટેસ્‍ટિંગની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં ૧૬,૪૯,૧૦૮ કોરોના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૭૧.૮૮ કરોડ કોરોના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. બીજી તરફ, જો આપણે કોરોના રસીકરણ વિશે વાત કરીએ, તો દેશમાં અત્‍યાર સુધીમાં ૧૬૨.૯૨ કરોડ કોવિડ રસી આપવામાં આવી છે.

 

(3:01 pm IST)