Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

કલાકોથી બંધ છે IRCTC વેબસાઇટ : ટિકિટ બુક ના થતાં લોકો હેરાન

હજારો-લાખો લોકો ટિકિટ બુકિંગથી માંડીને અન્ય સેવાઓથી વંચિત છે : લોકો સોશિયલ મીડિયા પર ગુસ્સો ઠાલવી રહ્યા છે : હાલમાં વેબસાઇટ ખોલતા મેન્ટેનન્સ એકિટવિટીનો મેસેજ ડિસ્પ્લે આવે છે

નવી દિલ્હી તા. ૨૫ : IRCTCની વેબસાઇટ છેલ્લા ૪ કલાકથી ઠપ હોવાને લીધે નાગરિકો ટિકિટ બુકિંગ સહિત અન્ય સેવાઓમાં આવી રહેલી અડચણોને કારણે હેરાન થઇ ગયા છે. આ મુદ્દે ટ્વિટર પર યૂઝર્સ દ્વારા આપવામાં આવી રહેલી પ્રતિક્રિયા દર્શાવી રહી છે કે ટિકિટ બુક સેવા કલાકોથી બંધ છે. આઇઆરસીટીસીની એપ પર પણ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નાગરિકોને થઇ રહેલી હેરાનગતિ બાદ IRCTCએ ટ્વિટર પર માહિતી આપતી ટ્વિટ કરી છે.

હવે IRCTCની વેબસાઇટ ઓપન કરવામાં આવે તો મેસેજ ડિસ્પ્લે થઇ રહ્યો છે કે મેન્ટેનન્સ એકિટવિટીને લીધે ઇ-ટિકિટિંગ સેવા ઉપલબદ્ઘ નથી, થોડા સમય પછી પ્રયત્ન કરો. આ સિવાય ટિકિટ કેન્સલ કરવા કે ટીડીઆર ફાઇલ કરવા માટે ગ્રાહક સેવા નંબર પર ફોન કરવાનું કહેવામા આવી રહ્યું છે. આ સેવામાં માટે અન્ય વિકલ્પ રૂપે etickets@irctc.co.in ઇમેલ આઇડી પર ઇમેલ કરવાનું કહેવામાં આવી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર યૂઝર્સ IRCTCની વેબસાઇટ બંધ થવા પર ગુસ્સો જાહેર કરી રહ્યા છે, તેઓ જવાબ માંગી રહ્યા છે કે કયાં સુધી આ વેબસાઇટ બંધ રહેશે.

યૂઝર્સના સવાલો સામે IRCTCએ પણ લોકોને જવાબ આપતાં ટ્વિટ કરી જણાવ્યું કે, મેટેનન્સ એકિટવિટીને લીધે વેબસાઇટ બંધ છે. જોકે IRCTCએ એવો ખુલાસો નથી કર્યો કે વેબસાઇટ કેટલા સમયમાં શરૂ થઇ જશે. કેટલાક યૂઝર્સ તો એપ પણ કામ ના કરતી હોવાની ફરિયાદ કરી રહ્યા છે.

(10:16 am IST)