Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

ઉત્તરાખંડમાં કોંગ્રેસના 11 ઉમેદવારોની યાદી જાહેર : પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત રામનગરથી ચૂંટણી લડશે

કોંગ્રેસમાં જોડાયેલા હરક સિંહ રાવતની પુત્રવધૂ અનુકૃતિ ગુસૈન રાવતનું નામ યાદીમાં સામેલ

નવી દિલ્હી : કોંગ્રેસે ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી માટે 11 ઉમેદવારોની યાદી જાહેર કરી. આ યાદીમાં પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત અને તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા હરક સિંહ રાવતની પુત્રવધૂ અનુકૃતિ ગુસૈન રાવતનું નામ પણ છે. હરીશ રાવત રામનગરથી ચૂંટણી લડશે. અનુકૃતિને લેન્સડાઉનથી ટિકિટ આપવામાં આવી છે,ઉલ્લેખનીય છે કે હરક સિંહ રાવત તાજેતરમાં ભાજપમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા બાદમાં કોંગ્રેસમાં પરત ફર્યા છે. હરક રાવત અને તેમના પુત્રવધૂ 21 જાન્યુઆરીએ કોંગ્રેસમાં જોડાયા હતા.

આ પહેલા ઉત્તરાખંડમાં એક ઓડિયો વાયરલ થઈ રહ્યો હતો. આ કથિત ઓડિયોમાં કોંગ્રેસના મહાસચિવ અને પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત રામનગર બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. રાજ્યની રચના બાદ 2002માં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા નારાયણ દત્ત તિવારી દ્વારા પણ રામનગર બેઠકનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું

વાયરલ ઓડિયો અંગે જ્યારે હરીશ રાવતના મીડિયા સલાહકાર સુરેન્દ્ર કુમારનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે ચૂંટણી લડવા અથવા અન્ય વિષયો પર ઘણી વાતચીત અને પરામર્શ થાય છે અને તેને રાજકીય દૃષ્ટિકોણથી જોવું જોઈએ નહીં.ઉત્તરાખંડની તમામ 70 બેઠકો માટે 14 ફેબ્રુઆરીએ મતદાન થશે. આ ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે સ્પર્ધા કરી રહી છે

(12:00 am IST)