Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

ઘુસણખોરીના પ્રયાસમાં ૨૦ ચીની સૈનિકોને મળ્યો મેથીપાક

દગાખોર ચીનની નવી કરતૂત : હવે સિક્કીમ સરહદે ઘુસણખોરીનો પ્રયાસ કર્યો પણ એલર્ટ ભારતીય જવાનોએ તે નિષ્ફળ બનાવ્યો : બંને પક્ષના સૈનિકો વચ્ચે ફરી 'ઢીશૂમ ઢીશૂમ' થયું : ઉભી પૂંછડીયે ભાગવું પડયું

નવી દિલ્હી તા. ૨૫ : પૂર્વી લદ્દાખમાં એલએસી પર તણાવ વચ્ચે સિક્કીમમાં ભારત અને ચીનની વચ્ચે અથડામણ થઇ છે. જાણવા મળી રહ્યું છે કે ત્રણ દિવસ પહેલા સિક્કીમની સરહદે ચીની સેનાએ બોર્ડરની યથાસ્થિતિને બદલવાના પ્રયત્નો કર્યા હતા અને તેના કેટલાક સૈનિક ભારતીય ક્ષેત્રમાં આગળ વધવાના પ્રયત્નો કરી રહ્યા હતા. આ દરમિયાન ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને ખદેડી મૂકયા હતા.

ત્રણ દિવસ પહેલા પણ સિક્કીમની સરહદે ભારત અને ચીન આમને - સામને છે. જેમાં ચાર ભારતીય અને ૨૦ ચીની જવાનોને ઇજા પહોંચી છે. ભારતીય જવાનોએ ચીની સૈનિકોને ખદેડી મુકયા છે. જો કે હજુ પણ સ્થિતિ તણાવપૂર્ણ છે પરંતુ સ્થિર છે. ભારતીય સેનાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ભારતીય ક્ષેત્રની સાથે દરેક પોઇન્ટ પર મોસમની સ્થિતિ ખરાબ હોવા છતાં સાવધાની વરતવામાં આવી છે.

સિક્કીમની સરહદે ઘૂસણખોરીના પ્રયત્નો તે સમયે થઇ છે, જ્યારે અહેવાલો હતા કે ચીની સેનાના પૂર્વી લદ્દાખથી તેમના ૧૦ હજાર જવાનોને હટાવી લેવામાં આવ્યા છે. ભારત સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ પૂર્વી લદ્દાખ ઉપરાંત સિક્કીમ સહિત અનેક વિસ્તારોથી ચીની સેનાએ તેમની તૈનાતીને ઓછી કરી છે પરંતુ જવાન હજુ પણ અડગ છે. આ કારણે ભારતીય સેનાએ તેમના જવાનોની તૈનાતી વધારી છે.

જે રીતે આપણા જવાનોએ ફરી ચીનના આક્રમક ઇરાદાને નિષ્ફળ કર્યા છે તે ભારતીય સેનાના જુસ્સાને વધારે છે.આ ઘટનાને લઈને ભારતીય સેનાએ ખુલાસો કર્યો છે કે, ૨૦ જાન્યુઆરીના રોજ સિક્કિમ ક્ષેત્રમાં સામાન્ય ઘર્ષણ થયું હતું. આ મામલાનો ઉકેલ સ્થાનિક કમાન્ડર્સ દ્વારા લાવવામાં આવ્યો હતો.ત્રણ દિવસપહેલા કૂલામાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઇ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં ૪ ભારતીય અને ૨૦ ચીનના સૈનિકો ઘાયલ થયા છે. ભારતીય જવાનોએ ચીનના સૈનિકોને પાછા ખદેડી દીધા હતા. જો કે અત્યારે પણ સ્થિતિણ તણાવપૂર્ણ છે, પરંતુ સ્થિર હોવાનું જાણવા મળેલ છે. ભારતીય સેનાના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં અનુસાર ભારતીય ક્ષેત્રના બધા પોઇન્ટ પર મોસમની સ્થિતિ ખરાબ હોવા છતા સુરક્ષા વ્યવસ્થા પર કડક નજર રાખવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે LAC પર છેલ્લા ઘણા મહીનાથી તણાવ જોવા મળી રહ્યો છે. ૧૫ જૂનના રોજ પૂર્વી લદ્દાખના ગલવાન ઘાટીમાં ચીનના સૈનિકો અને ભારત જવાન વચ્ચે અથડામણ જોવા મળી હતી. આ દરમિયાન ૨૦ ભારતીય જવાન શહીદ થયા હતા, જયારે ચીનની સેનાના કેટલાક અધિકારી-જવાનનોનું પણ મૃત્યું થયું હતું, પરંતુ ચીનના સૈનિકો આજ સુધી આ અંગે કોઇ સત્તાવાર પુષ્ટી કરી નથી.

(3:06 pm IST)