Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

દેશમાં RT-PCR ટેસ્ટનો દર એક સરખો 400 રૂપિયા રાખવા સુપ્રીમકોર્ટમાં અરજી

સુપ્રીમ કોર્ટે સુનાવણી કરીને નોટિસ જારી કરી બે સપ્તાહમાં જવાબ માંગ્યો

નવી દિલ્હી : દેશમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કોરોના વાઇરસની ચકાસણી માટેના RT-PCR ટેસ્ટનો દર નક્કી કરવા માટે કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ જારી કરી છે. વાસ્તવમાં એક અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સમગ્ર દેશમાં આ ટેસ્ટની કિંમત એકસમાન 400 રૂપિયા રાખવામાં આવે. આના લીધે લોકોને ફાયદો થશે અને વધુને વધુ પ્રમાણમાં કોરોનાની તપાસ થશે. આ મામલામાં સુપ્રીમ કોર્ટે સુનાવણી કરીને નોટિસ જારી કરી બે સપ્તાહમાં જવાબ માંગ્યો છે.

દેશમાં કોરોના વાઇરસના ચેપને શોધી કાઢવા માટે આ ટેસ્ટને એકદમ યોગ્ય માનવામાં આવે છે. પણ સમગ્ર દેશમાં આ ટેસ્ટની કિંમત દરેક સ્થળોએ જુદી-જુદી હોવાથી તેને ધ્યાનમાં રાખીને આ અરજી દાખલ કરવામાં આવી હતી. તેની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે.

કોરોનાના આરટી-પીસીઆર ટેસ્ટની કિંમત સમગ્ર દેશમાં એકસમાન રાખવાની માંગની સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવાયું છે કે વિવિધ રાજ્યોમાં તેની કિંમત 800થી લઈને 2,800 રૂપિયા સુધી છે. ટેસ્ટિંગ લેબ લોકોને લૂંટી રહી છે. તેની કિંમત 400 રૂપિયા રાખવી જોઈએ.

વકીલ અજય અગ્રવાલ દ્વારા સમગ્ર દેશમાં આ ટેસ્ટનો દર એકસમા કરવાની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેની કિંમત ઓછી હોવાથી વધુને વધુ લોકો પરીક્ષણ કરાવશે.

દિલ્હીમાં કોરોનાના લીધે હાલત બગડતા કેન્દ્ર સરકાર સક્રિય થઈ છે. કેન્દ્ર સરકારે કોરોના ટેસ્ટિંગ વધારવા માટે એક મોટી પહેલ કરી છે. તેના હેઠળ દિલ્હીવાસી હવે મફતમાં RT-PCR ટેસ્ટ કરાવી શકશે. તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હી સ્થિત ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ની મુખ્ય કચેરીમાં મોબાઇલ લેબ્સનું ઉદઘાટન કર્યુ છે. તેના દ્વારા દિલ્હીમાં મોબાઇલ વાન દ્વારા કોવિડ-19 ટેસ્ટ કરાવવામાં આવશે.

(6:37 pm IST)