Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

કોર્ટે કેન્દ્ર-રાજયોને આપી નોટિસ

કોરોના ટેસ્ટની કિંમત રૂ.૪૦૦ રાખવાની અરજી

નવી દિલ્હી, તા.૨૪: દેશમાં કોરોના વાયરસ કાળ બન્યો છે. કુલ દર્દીઓનો આંકડો ૯૧ લાખને પાર પહોંચ્યો છે તો દેશના ૪ રાજયો એવા છે જયાં કોરોના વાયરસના સૌથી વધુ દર્દીઓ જોવા મળ્યા છે. ત્યારે સુપ્રીમ કોર્ટમાં કોવિડ-૧૯ના RTPCR ટેસ્ટની કિંમત સમાન હોય તેને લઇને એક અરજી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને વડી અદાલતે આ સંદર્ભમાં કેન્દ્ર અને રાજય સરકારોને નોટિસ મોકલીને જવાબ આપવા કહ્યું છે.

વકીલ અજય અગ્રવાલે કરેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે દેશભરમાં કોરોના માટે આરટી-પીસીઆર ટેસ્ટની કિંમત અલગ-અલગ છે. આખા દેશમાં આ તપાસની કિંમત ૪૦૦ રૂપિયા હોવી જોઈએ. આનાથી કોરોના ટેસ્ટમાં વધારો થશે અને લોકોને ફાયદો થશે. સુપ્રીમ કોર્ટે આ અરજીને સૂચિબદ્ઘ કરી છે અને બે અઠવાડિયા પછી તેની સુનાવણી થશે.

કોરોનાકાળમાં વધતા કેસોની વચ્ચે લગ્નપ્રસંગ અને મેળાવડાને લઈને સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી. SCએ કહ્યું દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં વણસી રહી છે પરિસ્થિતિ. કોર્ટે ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને અસમ પાસેથી કોરોના અંગે રિપોર્ટ માંગ્યો હતો અને આ રિપોર્ટ શુક્રવાર સુધીમાં રજૂ કરવાનું સૂચન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ૯૧ લાખને પાર પહોંચી છે. આ દરમિયાન, દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં દરરોજ નોંધાતા કોરોના કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સાથે જ મોતનો આંક પણ વધ્યો છે.

(3:49 pm IST)