Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

કોરોનાના કારણે મિશન 'ગગનયાન' એક વર્ષ મોડુ

ઇસરોનું અંતરિક્ષનું માનવ મિશન રોબોટ 'વ્યોમમિત્રા'ને મોકલ્યા બાદ જ લોન્ચ કરાશે

બેંગલુરૃઃ મહત્વકાંક્ષી માનવ મિશન 'ગગનયાન'ના પહેલા તબક્કા હેઠળ માનવરહિત અંતરિક્ષ મિશન પ્રક્ષેપણ હવે આવતા વર્ષના અંત સુધીમાં થવાની સંભાવના છે. યોજના લગભગ એક વર્ષ મોડી ચાલી રહી છે. મીશનને ડીસેમ્બર-૨૦૨૦માં પુરૂ કરવાનું હતુ અને એની સાથે માનવ રોબોટ 'વ્યોમમિત્રા'ને પણ મોકલવાની યોજના હતી.

કોરોનાના કારણે મોડુ થતા આવતા વર્ષના અંતમાં લોન્ચીંગ થાય તેવી શકયતા છે. આ સીવાય ઇસરો બીજુ માનવ રહિત મિશન ૨૦૨૨માં લોન્ચ કરશે. પૂર્વ યોજના મુજબ 'વ્યોમમિત્રા' સાથે પહેલુ માનવરહિત મિશન ડીસેમ્બર-૨૦ અને બીજુ જુન-૨૦૨૧માં લોન્ચ થવાનું હતું. માનવ મિશન ડીસેમ્બર-૨૦૨૧માં લોન્ચ કરવાની યોજનાને ૨૦૨૨ સુધી લંબાવી દેવાઇ છે હજુ તેમાં વિલંબની સંભાવના છે.

ઊંચી થ્રસ્ટ આપતા ક્રોસ પ્રણોદક બુસ્ટર એસ-૨૦૦ જીએસએલવી માર્ક-૩ રોકેટનું પહેલુ ચરણ હોય છે. જેનો વ્યાસ ૩.૨ મીટર, ઊંચાઇ ૮.૫ મીટર અને વજન ૫.૫ ટન છે. ઇસરોના જણાવ્યા પ્રમાણે બુસ્ટરની મોટર કેસ તૈયાર થવી માનવરહિત મિશનની પ્રક્ષેપણની દિશામાં પહેલું મહત્વનું પગલું છે.

ઇસરોના અધ્યક્ષ કે. શીવન મુજબ આગળનું પગલુ મિશન માટે જરૂરી તમામ પ્રણાલીઓ અને હાર્ડવેરને માનવ રેટીંગ બનાવવાનું છે. માનવ રેટીંગ પ્રક્ષેપણ યાન તેને માનવામાં આવે છે, જેની વિશ્વસનીયતા ૦.૯૯ છે. જયારે ઇસરો ક્રુએસ્કેપ પ્રણાલી માટે ૦.૯૯૮ થી વધુ વિશ્વસનીયતા મેળવવા માંગે છે. જેથી શંકાની કોઇ જગ્યા ન રહે.

(1:21 pm IST)