Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

દિલ્હીમાં કોરોના બન્યો 'કાળ'

સતત ચોથા દિવસે ૧૦૦થી વધુ સંક્રમિતોના મોત

નવી દિલ્હી, તા.૨૪: દિલ્હીમાં કોરોના વાયરસ કહેર વરતાવી રહ્યો છે. દિલ્હીમાં સતત ચોથા દિવસે અને ચાલુ મહિને છઠ્ઠી વાર એક દિવસમાં ૧૦૦થી વધુ કોરોના સંક્રમિતોના મોત થયા છે. સોમવારે એક વાર ફરી ૧૨૧ દર્દીઓને કાળમુખો કોરોના ભરખી ગયો છે. તેની સાથે જ દિલ્હીમાં કોરોનાનો કૂલ મૃત્યુઆંક વધીને ૮૫૧૨ પહોંચી ગયો છે.

ગત ૧૨ નવેમ્બરે કોરોના સંક્રમણથી ૧૦૪ દર્દીના મોત નિપજયા હતા ત્યારબાદ ૧૮ નવેમ્બરે અત્યાર સુધીમાં સૌથી વધુ ૧૩૧ દર્દીના આ વાયરસથી મોત થયા છે. પાછલા ૧૦ દિવસમાં કોરોનાથી મરનાર દર્દીનો સરેરાશ રેશિયો વધીને ૧.૮૩ ટકાએ પહોંચી ગયો છે. સોમવારે જારી કરેલ રિપોર્ટમાં સંક્રમિત દર્દીઓની સંખ્યાને સંક્રમણ રેટ બંનેમાં મોટો ઘટાડો આવ્યો છે.

સોમવારે કુલ ૩૭,૩૦૭ સેમ્પલનું કોરોના ટેસ્ટિગ કરવામાં આવ્યુ, તેમાંથી ૪૪૫૪ સેમ્પલ પોઝિટિવ આવ્યા એટલે કે કુલ ૧૧.૯૪ ટકા સંક્રમણ રેટ નોધાયો હતો. પાછલા દિવસોની તુલનામાં તે નીચો છે.પરંતુ તેનું કારણ ટેસ્ટિંગમાં પણ ભારે ભરખમાં ઘટાડો જણાવાય છે. રાહતની વાત એ છે કે, સોમવારે ૭,૨૧૬ દર્દી કોરોના મુકત થયા છે. અત્યાર સુધી દિલ્હીમાં કોરોના સંક્રમિત ૪,૮૮,૪૭૬ દર્દીઓ સાજા થયા છે. એવામાં કોરોનાના એકિટવ કેસોની સંખ્યા પણ નોંધપાત્ર ઘટી ગઇ છે અને દિલ્હીમાં કોરોનાના ૩૭,૩૨૭ એકિટવ કેસ છે.

(11:42 am IST)