Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

'સિંહોની છાતી ઉપર રેલ્વે લાઈન પહોળી થશે'... અકિલાના અહેવાલના પડઘા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુધી પહોંચ્યા

સાસણમાં રેલ્વેલાઈન બ્રોડગેજ કરવાના ઠરાવના વિરોધમાં સાંસદ પરિમલ નથવાણીનો નરેન્દ્રભાઈ મોદીને પત્ર : પત્ર અનુસંધાને જયરામ રમેશનું ટ્વીટ, 'ગાંડપણભરી હિલચાલ ઉપર નરેન્દ્ર મોદી પૂર્ણવિરામ મૂકશે તેવી આશા'

રાજકોટ, તા. ૨૪ : તાજેતરમાં રાજય વાઈલ્ડ લાઈફ બોર્ડની તા. ૨૯ સપ્ટેમ્બરના રોજ મળેલી બેઠકમાં સાસણ ગીરમાંથી પસાર થતી મીટરગેજ રેલ્વે લાઈનને બ્રોડગેજમાં પરિવર્તિત કરવાનો વિવાદાસ્પદ ઠરાવ થયેલો. આ ઠરાવને સિંહોની સુરક્ષા માટે અત્યંત જોખમી ગણાવતો જયદેવસિંહ જાડેજાનો અહેવાલ તા.૭ ઓકટોબરના અકિલામાં પ્રકાશિત થયો હતો. આ અહેવાલના સમર્થનમાં નિવૃત ચીફ પ્રિન્સીપલ કોન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ શ્રી એ.કે. શર્મા આવ્યા બાદ રાજયસભાના સાંસદ પરિમલ નથવાણીએ પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને સંબોધી ગેઈજ પરિવર્તિનના આ નિર્ણયનો વિરોધ દર્શાવતો વિસ્તૃત પત્ર લખ્યો છે. આ પત્રને ટાંકીને આજે જયરામ રમેશે પણ ટ્વીટ કરી લખ્યુ છે કે મારા સાથી એમપી પરિમલ નથવાણીએ ગેઈજ પરિવર્તન અને ઈલેકટ્રીફીકેશન પ્રોજેકટનો વિરોધ કરતો એ પત્ર વડાપ્રધાન શ્રીને લખ્યો છે તેના અનુસંધાને મને આશા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગીર નેશનલ પાર્કમાં થઈ રહેલી ગાંડપણભરી હિલચાલ ઉપર પૂર્ણ વિરામ મૂકી દેશે. આમ, અકિલાએ સિંહોના સંરક્ષણ અને સલામતી માટે રેલ્વે લાઈનને પહોળી કરવાના પ્રોજેકટનો વિરોધ દર્શાવતો અહેવાલ સૌપ્રથમ પ્રકાશીત કર્યા બાદ એક પછી એક ઉચ્ચ અધિકારીઓ અને સંસદ સભ્યો આ અહેવાલના સમર્થનમાં આવી પીએમઓ સુધી વિરોધ નોંધાવવાની શરૂઆત કરી દીધી છે. દરમિયાન પરિમલ નથવાણીના પત્રને જયરામ રમેશના ટ્વીટ અનુસંધાને રાજય વાઈલ્ડ લાઈફ બોર્ડના સભ્ય ભૂષણ પંડ્યાએ ટ્વીટ કરી જણાવ્યુ છે કે, ગીર સેન્ચ્યુરીના ઈકો સેન્સેટીવ ઝોનમાં રેલ્વે લાઈનના ગેઈજ કન્વર્સેશન અને ઈલેકટ્રીફીકેશનનો પ્રોજેકટ નુકશાનકારક જ નહિં, સિંહોની સલામતી માટે અત્યંત જોખમી છે.
 

(5:38 pm IST)