Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

રીટર્ન ભરવાને નવ દિવસ બાકી છે ત્યારે નવી યુટિલિટી જાહેર કરાતા કચવાટ

રીટર્ન ફોર્મમાં સુધારો કરવામાં આવતા કરદાતાઓની પરેશાની વધી : નવી યુટિલિટી પ્રમાણે સોફટવેર તૈયાર કરવાની વધારાની પળોજણ

નવી દિલ્હી, તા.૨૪: ઇન્કમ ટેકસમાં ઓડિટ સાથેનું રીટર્ન ફાઇલ કરવાને આડે ગણતરીના નવ દિવસ બાકી છે ત્યારે સીબીડીટી દ્વારા રીટર્ન ફોર્મ ભરવા માટેના નિયમો એટલે કે યુટિલિટીમાં ફેરફાર કરતા કરદાતાઓની પરેશાની વધી છે.

ઓડિટ સાથેનું રીટર્ન ભરવાની છેલ્લી તારીખ ૩૧ ઓકટોબર નક્કી કરવામાં આવી છે. જેથી મોટા ભાગના વેપારીઓએ અત્યાર સુધી ઓડીટ સાથેનુ રીટર્ન ભરી પણ દીધું છે. હવે જે કરદાતાઓએ રીટર્ન ભર્યું નથી તેઓને માટે નવી ઉપાધિ આવીને ઊભી છે કારણ કે સીબીડીટી દ્વારા ૧ર જેટલા નવા સુધારા સાથેનુ કોર્મ બહાર પાડ્યું છે. આ ફોર્મમાં માંગવામાં આવેલી વિગતોના આધારે નવેસરથી સમગ કાર્યવાહી કરવાની સ્થિતિ સર્જાઇ છે. તેના કારણે સીએ તથા ટેકસ કન્સલ્ટન્ટોએ પણ નવેસરથી સોફટવેર તૈયાર કરવુ પડશે. જોકે, રીટર્ન ભરવાને આડે ગણતરીના નવ દિવસો બાકી છે ત્યારે કરવામાં આવેલી સુધારાને કારણે કરદાતાઓમાં કચવાટ પણ ફેલાય છે. કારણ કે છેલ્લી ઘડીએ કરવામાં આવેલા સુધારાને લીધે નવેસરથી મોટાભાગની કાર્યવાહી કરવી પડશે. જોકે. જે કરદાતાઓએ પહેલેથી જ રીટર્ન ફાઇલ કરી દીધા હશે તેઓએ ચિંતા કરવાની જરૂર નથી. આ અંગે સીએ વિરેશ સદલાલે જણાવ્યું હતું કે રીટર્ન ભરવાને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ સુધારા કરવા યોગ્ય નથી. સુધારા કરવાના જ હોય તો પહેલેથી જ તે પ્રમાણેની જાહેરાત કરી દેવી જોઇતી હતી. કારણ કે છેલ્લી ઘડીએ થતા સુધારાને કારણે સોફટવેર તૈયાર કરતા જ બેથી ચાર દિવસ જેટલો સમય વીતી જાય છે. જેના લીધે રીટર્ન ભરવામાં પણ સમય પસાર થતો હોય છે.

એપ્રિલ મહિનામાં યુટિલિટી જાહેર કરવાનો નિયમ

નાણાકીય વર્ષ બદલાતાની સાથે જ ઇન્કમટેકસ વિભાગ દ્વારા નવા રીટર્ન ભરવા માટેની યુટિલિટી જાહેર કરતા હોય છે જેથી કરદાતાઓએ. સીએ તથા ટેકસ કન્સલ્ટન્ટ તેને સમજીને સમયસર ફોર્મ ભરી શકતા હોય છે. જયારે છેલ્લી ઘડીએ કરવામાં આવતા સુધારાઓને કારણે તમામે પરેશાની વેઠવી પડતી હોય છે. તેના લીધે સમયસર રીટર્ન પણ ભરી શકાતુ નથી.

(3:43 pm IST)