Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

સરકારે આપી દિવાળી ગીફટ

લોન મોરેટોરિયમ દરમિયાન સમયસર EMI ચૂકવ્યો હશે તો બેંક તરફથી મળશે કેશબેક

પ્રથમ માર્ચ, ૨૦૨૦થી ૩૧ માર્ચ, ૨૦૨૦ સુધી RBIના આદેશ બાદ લોન ધારકોને લોન મોરેટોરિયમની સુવિધા આપવામાં આવી હતી

નવી દિલ્હી, તા.૨૪: લોન મોરેટોરિયમ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમે લોકડાઉન દરમિયાન લોન મોરેટોરિયમનો લાભ નથી ઉઠાવ્યો અને દરેક હપ્તો ભર્યો છે તોતમને કેશબેક મળશે. કેન્દ્ર સરકારે શુક્રવારે લોન મોરેટોરિયમ દરમિયાન વ્યાજ પરના વ્યાજ અંગે પોતાના નિર્ણય વિશે સંપૂર્ણ માહિતી આપી હતી. આ દરમિયાન સરકારે આ વાત પણ કરી છે. ઉલ્લેખનીય છે કે ૨૫ માર્ચના રોજ દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન પ્રથમ માર્ચ, ૨૦૨૦થી ૩૧ માર્ચ, ૨૦૨૦ સુધી RBIના આદેશ બાદ લોન મોરેટોરિયમની સુવિધા આપવામાં આવી હતી. આ દરમિયાન લોન ધારકોને હપ્તો ચૂકવવામાંથી મુકિત આપવામાં આવી હતી. જે બાદમાં લોન મોરેટોરિયમ સમયગાળા દરમિયાન વ્યાજનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જે બાદમાં સરકારે લોન ધારકોને વ્યાજ પર વ્યાજ નહીં ચૂકવવું પડે તેવી જાહેરાત કરી હતી.

 આ દરમિયાન એવો સવાલ ઉઠવો વ્યાજબી હતી કે જે લોકોએ લોકડાઉન દરમિયાન મુશ્કેલીની ઘડીમાં પણ સમયસર EMI ચૂકવ્યો છે તેમને અન્યાય થશે. આથી શુક્રવારે સરકારે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈએ લોન મોરેટોરિયમનો લાભ નથી લીધો અને તમામ EMI સમયસર ચૂકવ્યા છે તેમને બેંકો તરફથી કેશબેક આપવામાં આવશે. જે લોકોએ આ યોજનાનો લાભ લીધો છે તેમને સામાન્ય વ્યાજ અને ચક્રવૃદ્ઘિ વ્યાજ વચ્ચેના તફાવતનો લાભ મળશે.

૨ કરોડ સુધીની લોન પર છૂટ મળશેઃ સરકારે ગત દિવસોમાં જણાવ્યું હતું કે બે કરોડ સુધીની લોન લેનારને લોન મોરેટોરિયમ દરમિયાન વ્યાજ પરના વ્યાજની માફીમાંથી મુકિતનો લાભ મળશે. સરકારે આ અંગે સુપ્રીમ કોર્ટમાં સોદંગનામું દાખલ કરીને કહ્યું હતું કે, MSME લોન, એજયુકેશન લોન, હાઉસિંગ, હોમ લોન, ઓટો, કન્ઝયુમર તેમજ ક્રેડિટ કાર્ડ પર બાકી રકમ પર લાગૂ ચક્રવૃદ્ઘિ વ્યાજને માફ કરવામાં આવશે

સમયગાળો શું રહેશે? :નાણાકીય સેવા વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા દિશાનિર્દેશ પ્રમાણે લોન ધારકો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ લાભ પહેલી માર્ચ, ૨૦૨૦થી ૩૧ ઓગસ્ટ, ૨૦૨૦ માટે રહેશે. જે પ્રમાણે જે લોન ધારકો પર ૨૯ ફેબ્રુઆરી સુધી બે કરોડથી વધારે ઋણ નથી, તેઓ આ યોજનાનો લાભ લેવા માટે યોગ્ય ગણાશે

લોન એકાઉન્ટમાં પૈસા પરત આવશેઃ જાહેર કરવામાં આવેલા નિર્દેશ પ્રમાણે બેંકો આ માટે યોગ્ય લોન ધારકોના ખાતમાં સામાન્ય વ્યાજ અને વ્યાજ પરના વ્યાજની રકમ વચ્ચેનો તફાવત હશે એટલી રકમ તેમના લોન ખાતામાં જ જમા કરશે. આ યોજનાનો લાભ એ તમામ લોન ધારકોને મળશે જેમણે આરબીઆઈ તરફથી ૨૭મી માર્ચ, ૨૦૨૦ના રોજ જાહેર કરેલી લોન મોરેટોરિયમ સ્કિમનો આંશિક કે પૂર્ણ લાભ લીધો હતો.

(3:07 pm IST)