Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

ગરીબોની કસ્તુરી અને સફરજનના ભાવ એક સરખા

શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીના માસિક બજેટ પર માઠી અસરઃ એક સાંધે ત્યાં તેર તૂટેઃ સતત ભાવ વધારાને કારણે મધ્યમ વર્ગા પરિવારની સ્થિતી કફોડી બની

નવી દિલ્હી,તા.૨૪ : દરેકપ્રકારના શાકભાજીની કિંમત દિનપ્રતિદિન વધી રહી છે. હાલ તો કાંદા તથા સફરજનનો ભાવ એક સરખો હોવાથી ગૃહિણીનો માસિક બજેટ પર માઠી અસર જોવા મળી રહી છે. મધ્યમ વર્ગના પરીવારને શાકભાજીના ભાવ વધવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સમાજના દરેક પરિવાર હારા રોજિંદા ઉપયોગમાં લેવાતા કાંદા-બટેટા સહિતના શાકભાજીની પ્રતિ કિલો કિંમત સામાન્ય હતી. પરંતુ હાલ તેના ભાવમાં ઉછાળો આવતા સામાન્ય પરિવારને આર્થિક રીતે તકલીફ પડતી નહતી. લોકડાઉન દરમિયાન શાકભાજીના ભાવ કરતાં હાલના ભાવ વધારે રહેતાં મધ્યમ વર્ગની ગૃહિણીના બજેટ પર અસર જોવા મળી રહી છે. લોકડાઉનમાં ઘણા પરિવારોની નોકરી જતી રહી છે. આ મધ્યમ વર્ગના પરિવારની ગૃહિણીઓ દ્રારા સાડીમાં સ્ટોન ચોંટાડવા સહિતના કામ કરી આર્થિક રીતે સહાયરૂપ બને છે. જોકે, આવા સમયમાં શાકભાજીના ભાવમાં વધારો થતાં ઘરની ગૃહિણીના માસિક બજેટ પર માઠી અસર પડે છે. ઘણી વખત ગૃહિણી ઘર ખર્ચના રૂપિયામાંથી શાકભાજીની ખરીદી કરતી વખતે ભાવતાલ કરી પોતાની બચત ભેગી કરતી હોય છે. પરંતુ જે પ્રકારે શાકભાજીના ભાવ વધી રહ્યા છે તેનાથી ગૃહિણી ઘર ખર્ચ માંથી બચત કરવાની તો વાત દૂર પણ જૂની બચત માંથી હાલ ખર્ચ ચલાવવો પડી રહ્યો છે.

 એક બાજુ મોંઘવારી વધી રહી છે. ત્યારે બીજી બાજુ મધ્યમવર્ગના પરિવારમાં આવકના સ્ત્રોત મર્યાદિત હોવાથી આર્થિક રીતે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યાર એવી પરીસ્થિતિ જોવા મળી રહી છે કે, કાંદાનો પ્રતિકિલો ૪૦થી ૬૦ રૂપિયા ભાવ અને સફરજનનો પંચાસેક જણાય રહી છે. સુરતવાસીઓ ખાણી-પીણીના શોખીન માનવામાં આવે છે પરંતુ હાલ નાસ્તાની દુકાનમાં ખમણ, સમોસા, રસાવાળા ખમણ, આલુપુરી સહિતની ખરીદી પર દુકાનદાર ગ્રાહકને વધારે કાંદા આપતા પહેલા કચવાટ અનુભવે છે. ઘણા દુકાનદારો વધારે કાંદા આપવા માટે સ્પષ્ટપણેના પાડી દેતા હોય છે.

શાકભાજીનો ભાવ વધતા કયું શાક લેવું તેની ચિંતા

હાલ કોરોના મહામારી જેવી પરીસ્થિતિ સામે દેશ સંઘર્ષ કરી રહ્યો છે. ત્યારે શાક માર્કેટમાં શાકભાજીના ભાવ સાંભળી ગૃહિણી કયું શાક લેવું તેની ચિંતામાં મુકાય છે. લોકડાઉન દરમિયાન બટેટા, કાંદા,ટમેટા સહિતનો ભાવ મધ્યમ હતો પરંતુ સરકાર દ્વારા ધીમે ધીમે જેમ અનલોક કરવામાં આવી રહ્યુ છે તેમ શાકભાજીનો ભાવ વધી રહ્યો છે. દરરોજ સવાર-સાંજ જયારે પણ શાક માર્કેટમાં ખરીદી માટે જઈએ ત્યારે કયું શાકભાજી લેવું તેની ચિંતા રહે છે.

- સેજલ પટેલ

ઘરખર્ચનો બજેટ ભાવધારાને કારણે ખોરવાયો

મહિના દરમિયાન ઘરખર્ચ માટે એક બજેટ નક્કી કરવામાં આવતો હોય છે. પરંતુ હાલ જેમ શાકભાજીના ભાવ વધી રહ્યા છે. તેમ માસિક ઘરખર્ચનું બજેટ ખોરવાય ગયું છે. મહિના માટે નક્કી કરેલા ઘરખર્ય માંથી ખાલી  શાકભાજી જ ખરીદી નથી કરાતું ચા-ખાંડ, સાબુ સહિતની વિવિધ ચીજ વસ્તુ લેવામાં આવે છે. ત્યારે જો આ પ્રકારે હજુ શાકભાજીના ભાવ વધતા રહેશે તો ગૃહિણીના બજેટ પર જરૂર માઠી અસર જોવા મળશે     

- નીલમ બારોટ

શાકભાજીનો ઉપયોગ ઘટાડી કઠોળનો વધારે વપરાશ

જે પ્રકારે શાકભાજીના ભાવમાં વધારે થઇ રહ્યો છે. તેના પરથી મધ્યમવર્ગનો પરીવાર શાકભાજીનો ઉપયોગ ઘટાડી કઠોળનો વપરાશ શરૂ કર્યા છે, ઘણી વખતે ઘરમાં નાના બાળકોને અમુક શાકભાજી નભાવતા હોવાથી તેમને ભાવે તે પ્રકારનું શાક બનાવી આપવામાં આવે છે. પરંતુ હાલ મોટા ભાગના શાકભાજીની કિંમત વધારે હોવાથી બાળકો માટે કઠોળ અથવા સેવ-ટમેટા અને ગાઠીયાનું શાક પણ બનાવી આપવામાં આવે છે.

- વીરલ પરવાડિયા,

કાંદા કાપતા વહેતા આંસુ  હાલ ખરીદતી વખતે નિકળે છે

હાલ શાકભાજીના ભાવમાં ઉછાળો આવતા ગૃહિણી પણ ચિંતામાં મુકાય છે. શાક માર્કેટમાંથી ખરીદેલા કાંદા કાપતી વખતે આંખ માંથી આસું નિકળતા હોય છે પરંતુ હાલની પરીસ્થિતીમાં કાંદાના ભાવ જોઈ તેને ખરીદતી વખતે આખમાં આંસુ નિકળે છે. સમાજનો મોટો હિસ્સો મધ્યમવર્ગ પરીવારનો છે. જેથી કાંદા- બટેટા સહિતના શાકભાજીની કિંમતો વધતા મધ્યવર્ગના પરીવારને આર્થિક તકલીકનો સામનો કરવો પડી રહ્યો છે.

- પીનલ ગજ્જર.

વિવિધ શાકભાજીની કિંમત (પ્રતિકિલોમાં)

શાકભાજી

હાલનાભાવ

લોકડાઉનનો ભાવ

બટેટા

૪૦-૬૦

૨૦-૪૦

કાંદા

૪૦-૬૦

૨૦-૪૦

ટમેટાં

૪૦-૬૦

૨૦-૪૦

કોબી

૭૦-૮૦

૩૦-૮૦

ફ્લાવર

૧૦૦-૧૨૦

૬૦-૮૦

રીંગણ

૬૦-૭૦

૩૦-૪૦

ચોળી

૭૦-૮૦

૪૦-૫૦

ગુવાર

૭૦-૮૦

૩૦-૪૦

(11:33 am IST)