Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

સંસદની સંયુક્ત સમિતિ સમક્ષ હાજર થવા એમેઝોનનો ઈનકાર

વિશ્વની જાણીતી ઈકોમર્સ કંપનીની મુશ્કેલી વધશે : ડેટા પ્રોટેક્શન બિલ મામલે સમિતિ સમક્ષ હાજર નહીં થનારી કંપની પર કાયદાકીય પગલાં લેવાની ચેતવણી

નવી દિલ્હી, તા. ૨૩ : ઈકોમર્સ કંપની અમેઝોને ડેટા પ્રોટેક્શન બિલ મામલે સંસદની સંયુક્ત સમિતિ સમક્ષ રજૂ થવાનો નનૈયો ભણ્યો છે. ડેટા પ્રોટેક્શન બિલ પર સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ અને ભાજપા સાંસદ મિનાક્ષી લેખીએ જણાવ્યું કે એમેઝોનને ૨૮ ઓક્ટોબરના રોજ સમિતિ સમક્ષ રજૂ થવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ હજી સુધી તેઓએ કોઈ જવાબ આપ્યો નથી.

સંસદીય સમિતિને મિની પાર્લિમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એવામાં આ એક વિશેષાધિકાર ભંગનો પણ કેસ બની શકે છે.  મિનાક્ષી લેખીએ કહ્યું કે જો એમેઝોન સમિતિ સમક્ષ રજૂ નહીં થાય તો સંસદીય સમિતિ સરકારને એમેઝોન વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની અપીલ કરશે.

૨૮ ઓક્ટોબરના રોજ એમેઝોન કંપનીને બોલાવવામાં આવી છે જો તેમનો કોઈ પ્રતિનિધિ તે દિવસે નહીં આવે તો તેમના પર પગલા લેવાય તેવી પૂર્ણ શક્યતા છે. ડેટા પ્રોટેક્શન મામલે સંયુક્ત સંસદીય સમિતિએ ટ્વીટરને પણ ૨૮ ઓક્ટોબરના રોજ રજૂ થવા માટે સમન્સ મોકલાયું છે. ગૂગલ અને પેટીએમને ૨૯ ઓક્ટોબરના રોજ રજૂ થવા માટે સમન્સ મોકલાયું છે.

ફેસબૂક ઈન્ડિયાની પબ્લિક પોલિસીના પ્રમુખ અંખી દાસ શુક્રવારના રોજ કોટા પ્રોટેક્શન બિલ પર સંયુક્ત સંસદીય સમિતિ સમક્ષ રજૂ થયા. ફેસબૂક ઈન્ડિયાના પ્રતિનિધિને ડેટા પ્રોટેક્શન મામલે સાંસદોએ કેટલાક પ્રશ્નો પૂછ્યા. સમિતિના સભ્યોએ કહ્યું કે ડેટાનો ઉપયોગ જાહેરાતના નાણાકીય ફાયદા માટે ન કરવો જોઈએ.

(12:00 am IST)