Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ મચાવનાર શિવસેનાના નેતા એકનાથ શિંદે પુત્ર-પુત્રીના મોત બાદ છોડી ચૂક્યા હતા રાજકારણ

22 વર્ષ અગાઉ જૂનમાં સતારામાં નાવ અકસ્માતમાં તેમની આંખો સામે તેમના પુત્ર-પુત્રીનું ડૂબી જવાથી મોત થયું હતું :રાજકીય ગુરુ અને શિવસેનાના કદાવર નેતા આનંદ દીઘે જ તેમને રાજકારણમાં પાછા લઈ ગયા

મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ મચાવનાર શિવસેનાના નેતા એકનાથ શિંદેની જિંદગીમાં એક પળ એવી પણ આવી હતી કે, જ્યારે તેઓ એકદમ તૂટી ચૂક્યા હતા. રાજકારણ સહિત બધુ છોડવાનો નિર્ણય લઈ લીધો હતો. એવું થયું હતું આજથી 22 વર્ષ અગાઉ જૂન મહિનામાં. સતારામાં થયેલા નાવ અકસ્માતમાં તેમની આંખો સામે તેમના પુત્ર-પુત્રીનું ડૂબી જવાથી મોત થઈ ગયું હતું.

તેમના રાજકીય ગુરુ અને શિવસેનાના કદાવર નેતા આનંદ દીઘે જ તેમને રાજકારણમાં પાછા લઈ ગયા હતા.

મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં 9 ફેબ્રુઆરી, 1964ના રોજ જન્મેલા એકનાથ શિંદેએ ઠાણે શહેરમાં આવ્યા બાદ 11માં ધોરણ સુધી મંગળા હાઇસ્કૂલ અને જુનિયર કૉલેજ ઠાણેથી અભ્યાસ કર્યો. શરૂઆતમાં એકનાથ શિંદે ઠાણેમાં ઓટો ચલાવતા હતા. તેઓ આનંદ દીઘેથી પ્રભાવિત થઈને 1980ના દશકમાં શિવસેનામાં જોડાયા હતા. જ્યારે વર્ષ 2001માં આનંદ દીઘેનું નિધન થયું તો શિવસેનામાં તેમનો વારસો એકનાથ શિંદેએ સંભાળ્યો. 1980ના દશકમાં શિવસેનામાં કિસાન નગરની શાખામાં એકનાથની, પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી અને ત્યારથી તેઓ પાર્ટી દ્વારા સામાજિક અને રાજકીય મુદ્દાને લઈને ઘણા આંદોલનોમાં સૌથી આગળ રહ્યા.

વર્ષ 1997માં એકનાથ શિંદેને શિવસેનાએ ઠાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટરની ટિકિટ આપી અને તેમણે ભારે બહુમતીથી જીત હાંસલ કરી. વર્ષ 2005માં તેઓ ઠાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સદનના નેતાના રૂપમાં ચૂંટાયા અને વર્ષ 2004 સુધી આ પદ પર બન્યા રહ્યા. વર્ષ 2004માં એકનાથ શિંદેને બાલાસાહેબ ઠાકરેએ ઠાણે વિધાનસભાની ચૂંટણી લડવાનો ચાન્સ આપ્યો અને તેમણે ભારે બહુમતથી જીત હાંસલ કરી. વર્ષ 2005માં શિવસેના ઠાણે જિલ્લા પ્રમુખના પ્રતિષ્ઠિત પદ પર એકનાથ શિંદેની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ તેમણે વર્ષ 2009, 2014 અને વર્ષ 2019ની વિધાનસભાની ચૂંટણીમાં જીત હાંસલ કરી.

 

વર્ષ 2014ની ચૂંટણી બાદ એકનાથ શિંદેને શિવસેનાના ધારાસભ્ય ગ્રુપના નેતા અને ત્યારબાદ મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતાના રૂપમાં પસંદ કરવામાં આવ્યા. ઓક્ટોબર 2014 થી ડિસેમ્બર 2014 સુધી મહારાષ્ટ્ર વિધાનસભામાં તેઓ વિપક્ષના નેતા રહ્યા. વર્ષ 2014માં જ મહારાષ્ટ્ર રાજ્ય સરકારમાં PWDના કેબિનેટ મંત્રીના રૂપમાં નિમણૂક કરવામાં આવી. વર્ષ 2019માં કેબિનેટ મંત્રી સાર્વજનિક સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી (મહારાષ્ટ્ર સરકાર)નું પદ મળ્યું. એમ પણ માનવામાં આવે છે કે, તેઓ ઠાણેમાં લોકો સાથે પોતાના સારા સંપર્ક અને જનસેવાના કારણે જ જીતીને આવે છે

(11:07 pm IST)