Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

કોંગ્રેસ નેતા -સાંસદ રાહુલ ગાંધીની વાયનાડ ઓફિસમાં તોડફોડ: SFI પર હુમલાનો આરોપ

-વાયનાડ ઓફિસ પર હુમલામાં સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI)ની ભૂમિકાનો આરોપ લગાવ્યો

કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીની વાયનાડ ઓફિસમાં તોડફોડની ઘટના સામે આવી છે. કોંગ્રેસે રાહુલ ગાંધીની વાયનાડ ઓફિસ પર હુમલામાં સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI)ની ભૂમિકાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીની ઓફિસમાં રાખવામાં આવેલી ખુરશીઓની પણ તોડફોડ કરવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓફિસ સ્ટાફ પર પણ કથિત રીતે મારપીટ કરવામાં આવી છે. વાસ્તવમાં, ગુસ્સે ભરાયેલા ટોળાએ કહ્યું છે કે, તમામ સંરક્ષિત વિસ્તારો, વન્યજીવ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા જારી કરાયેલા આદેશને કારણે રાહુલ ગાંધીએ આ મામલે પોતાનું મૌન તોડવું જોઈએ. સર્વોચ્ચ અદાલતે તમામ સંરક્ષિત વિસ્તારો, વન્યજીવ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોની આસપાસ એક કિલોમીટર ઇકો-સેન્સિટિવ ઝોન (ESZ) ફરજિયાત કરવાનો આદેશ આપ્યો છે.

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને વાયનાડમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કાર્યાલય પર થયેલા હુમલાની નિંદા કરી છે. આ સાથે તેમણે દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી હતી. કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના વાયનાડ કાર્યાલયમાં તોડફોડની ઘટના પર કહ્યું કે મને લાગે છે કે સીતારામ યેચુરી જરૂરી કાર્યવાહી કરશે.

કેસી વેણુગોપાલે વધુમાં જણાવ્યું હતું કે આ ઘટના પોલીસની હાજરીમાં બની હતી. આ સ્પષ્ટપણે સીપીએમ નેતૃત્વનું કાવતરું છે. ED છેલ્લા 5 દિવસથી તેમની પૂછપરછ કરી રહી છે, મને લાગે છે કે સીતારામ યેચુરી જરૂરી કાર્યવાહી કરશે.

(9:06 pm IST)