Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ગુવાહટીની હોટલનો સાત દિવસનો ખર્ચ ૧.૧૨ કરોડ

ગુવાહટીમાં બળવાખોરો માટે હોટલ બૂક કરાઈ છે : મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યો માટે ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલમાં કુલ ૭૦ રૂમ બુક કરવામાં આવ્યા

ગુવાહાટી, તા.૨૪ : મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યો હાલમાં આસામમાં રોકાયા છે. અહીં તેમનું ઠેકાણું ગુવાહાટીમાં રેડિસન બ્લુ હોટેલ છે. આ મોટી હોટલમાં રહેવા માટે બળવાખોર ધારાસભ્યો કેટલા પૈસા ખર્ચી રહ્યા છે તે અંગે ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે.  જાણવા મળ્યું છે કે, હાલમાં રૂમ ૭ દિવસ માટે બુક કરવામાં આવ્યા છે. જેના પર કુલ ખર્ચ ૧.૧૨ કરોડ રૂપિયાની નજીક છે.

અહેવાલ અનુસાર, એકનાથ શિંદે અને અન્ય બળવાખોર ધારાસભ્યો માટે ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલમાં કુલ ૭૦ રૂમ બુક કરવામાં આવ્યા છે. આ રૂમ કુલ ૭ દિવસ માટે બુક કરવામાં આવે છે. આ બુકિંગ માટે કુલ ૫૬ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

આ સિવાય ભોજન અને અન્ય સેવાઓ પર રોજના ૮ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ૭ દિવસના હિસાબે આ ખર્ચ રૂ. ૫૬ લાખ થાય છે. આ રીતે બુકિંગ અને ખાવા-પીવાનો ખર્ચ મળીને ૧.૧૨ કરોડ રૂપિયા થાય છે. ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલમાં એકનાથ શિંદે સાથે કુલ કેટલા ધારાસભ્યો અને અન્ય લોકો છે તેની ચોક્કસ સંખ્યા હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ તે સ્પષ્ટ છે કે, બળવાખોર ધારાસભ્યોનું જૂથ મજબૂત બની રહ્યું છે.

તમને જણવી દઈએ કે, શિંદે કેમ્પમાં ૨ અપક્ષ ધારાસભ્યો જોડાયા છે. આ રીતે શિવસેનાના ૩૭ ધારાસભ્યો સહિત એકનાથ શિંદેને ૪૬ ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. હવે ૩ ધારાસભ્યોના જોડાવાના સમાચાર આવી રહ્યા છે. ધારાસભ્યોની સાથે કેટલાક સાંસદો, નેતાઓના પરિવારજનો પણ હોટલમાં હાજર હોવાનું કહેવાય છે.

(7:56 pm IST)