Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

પાક.માં મોટા ઉદ્યોગો પર ૧૦ ટકા સુપર ટેક્સ લગાવાશે

આર્થિક કટોકટીમાંથી બહાર નિકળવાનાં હવાતિયાં : પાકિસ્તાનમાં આ ૧૦ ટકા ટેક્સ સિમેન્ટ, સ્ટીલ, ઓટોમોબાઇલ જેવા ઉદ્યોગો ઉપર લાદવામાં આવશે

ઇસ્લામાબાદ, તા.૨૪ : મોંઘવારી, ઘટી રહેલી વિદેશી હૂંડિયામણની અનામત અને વધેલા દેવા વચ્ચે આર્થિક કટોકટીના વિષચક્રમાં ફસાયેલા પાકિસ્તાનમાં સરકારે મોટા ઉદ્યોગો ઉપર ૧૦ ટકાના સુપર ટેક્સની જાહેરાત કરી છે. આ ૧૦ ટકા ટેક્સ સિમેન્ટ, સ્ટીલ, ઓટોમોબાઇલ જેવા ઉદ્યોગો ઉપર લાદવામાં આવશે.

આ ઉપરાંત, ધનિકો ઉપર ગરીબી નાબુદી ટેક્સની જાહેરાત પણ કરવામાં આવી છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટ પહેલાની પોતાની ટીમ સાથેની બેટક બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શેહ્બાઝ શરીફે આ જાહેરાત કરી હતી.

અમારો પ્રથમ લક્ષ્યાંક દેશની પ્રજા ઉપર વધી રહેલી મોંઘવારીનો બોજ ઓછો કરવાનો છે અને બીજું લક્ષ્ય દેશને નાદાર જાહેર થતા અટકાવવાનું છે એમ શરીફે બેઠક બાદ જણાવ્યું હતું. વડાપ્રધાન શરીફે ઉમેર્યું હતું કે ઇમરાન ખાનની પૂર્વ સરકારની બિનકાર્યક્ષમતા અને ભ્રષ્ટાચારના કારણે વર્તમાન સ્થિતિ ઉભી થયેલી છે.

પાકિસ્તાન સરકારે જે ગરીબી નાબુદી ટેક્સની જાહેરાત કરી છે તેમાં રૂ.૧.૫ કરોડથી વધારાની આવક ઉપર એક ટકા, રૂ.૨ કરોડથી ૨.૫૦ કરોડની આવકવાળા લોકોએ ત્રણ ટકા અને તેના કરતા વધારે આવક ધરાવતા લોકો માટે ચાર ટકા આવક ઉપર ટેક્સ લાદવામાં આવશે એવી શક્યતા પાકિસ્તાનના મીડિયામાં વ્યક્ત કરવામાં આવી છે.

(7:52 pm IST)