Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

કોરોનાની રસીએ ૪૨ લાખથી વધુ ભારતીયોના જીવ બચાવ્‍યા !

દેશમાં કોવિડને કારણે અત્‍યાર સુધીમાં ૫ લાખથી વધુ લોકોના મોત : ભારતમાં અત્‍યાર સુધીમાં ૧૯૬ કરોડથી વધુ કોવિડ રસી આપવામાં આવી છે : લેન્‍સેટ અભ્‍યાસના રિપોર્ટમાં મોટો દાવો : કોવિડ વેક્‍સિને વિશ્વભરમાં લગભગ ૨૦ મિલિયન સંભવિત મૃત્‍યુને અટકાવ્‍યા છે

નવી દિલ્‍હી,તા.૨૪: કોવિડ સંકટમાં કોરોના રસીએ વિશ્વભરમાં લગભગ ૨૦ મિલિયન સંભવિત મૃત્‍યુને અટકાવ્‍યા છે. લેન્‍સેટ અભ્‍યાસમાં આ  દાવો કરવામાં આવ્‍યો છે. લેન્‍સેટ અભ્‍યાસમાં ભારતમાં કોવિડ સંકટ વિશે પણ વાત કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાની રસીએ અહીં લગભગ ૪૨ લાખ લોકોના જીવ બચાવ્‍યા નહીંતર કોરોના વાયરસે આ લોકોના જીવનનો પણ અંત લાવી દીધો હોત.

અભ્‍યાસમાં ડિસેમ્‍બર ૨૦૨૦ થી ડિસેમ્‍બર ૨૦૨૧ સુધીનો ડેટા લેવામાં આવ્‍યો છે. તે શરૂઆતનો સમય હતો અને તે સમયે જ કોવિડની રસી પ્રથમ વખત મળવાની શરૂઆત થઈ હતી.

અભ્‍યાસમાં એમ પણ કહેવામાં આવ્‍યું છે કે જો વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં આવ્‍યો હોત તો વિશ્વભરમાં વધુ ૫,૯૯,૩૦૦ લોકોના જીવ બચાવી શકાયા હોત. જણાવી દઈએ કે ષ્‍ણ્‍બ્‍ એ લક્ષ્ય રાખ્‍યું હતું કે ૨૦૨૧ ના   અંત સુધીમાં વિશ્વના તમામ દેશોની ૪૦ ટકા વસ્‍તીને કોવિડ રસીના એક કે બે ડોઝ આપવામાં આવે. જો કે, ઘણા કારણોસર આ થઈ શક્‍યું નથી.

આ અભ્‍યાસ ઈમ્‍પીરીયલ કોલેજ, લંડન દ્વારા કરવામાં આવ્‍યો છે. તેના પ્રોફેસર ઓલિવર વોટસને કહ્યું કે મોડેલિંગ અભ્‍યાસ દર્શાવે છે કે કોવિડ રસીકરણને કારણે ભારતમાં લાખો લોકોના જીવ બચ્‍યા છે. તેમણે કહ્યું કે રસીકરણની ખૂબ સારી અસર જોવા મળી છે. ખાસ કરીને ભારતમાં, તે પહેલો દેશ હતો જયાં ડેલ્‍ટા વેરિઅન્‍ટે હંગામો મચાવ્‍યો હતો.

ભારતમાં ૧૯૬ કરોડથી વધુ કોરોના રસી આપવામાં આવી છે. તે જ સમયે, સત્તાવાર આંકડા અનુસાર, દેશમાં કોવિડને કારણે અત્‍યાર સુધીમાં પાંચ લાખ (૫,૨૪,૯૪૧) થી વધુ લોકોના મોત થયા છે.

અભ્‍યાસમાં એ પણ જોવા મળ્‍યું કે બદલાતા સમય અને બદલાતા પ્રદેશ (દેશ) અનુસાર રસીની અસર અલગ-અલગ રીતે જોવામાં આવે છે. અભ્‍યાસ મુજબ, જયારે ૨૦૨૧ અડધો વીતી ગયો હતો, ત્‍યારે વાયરસે ઉચ્‍ચ આવક ધરાવતા દેશોમાં તબાહી મચાવી હતી કારણ કે ત્‍યાં કોવિડ હેઠળના નિયંત્રણો હળવા કરવામાં આવ્‍યા હતા, જેના કારણે વાયરસનું સંક્રમણ હળવું કરવામાં આવ્‍યું હતું. 

(10:15 am IST)