Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

CISFના આઠ કોન્સ્ટેબલને બરતરફનો આદેશ અકબંધ

સામૂહિક દુષ્કર્મ-બ્લેકમેલને લગતા કેસમાં ચુકાદો : પીડિતાએ વર્ષ ૨૦૧૫માં ફરિયાદ નોંધાવી હતી : સમગ્ર કેસ સામે આવ્યા બાદ આરોપીઓને બરતરફ કરાયા હતા

બેંગલુરૂ, તા.૨૩ : સામૂહિક દુષ્કર્મ તથા બ્લેકમેલને લગતા એક ૭ વર્ષ જૂના કેસમાં કર્ણાટક હાઈકોર્ટે સીઆઈએસએફના ૮ કોન્સ્ટેબલ્સને સેવામાંથી બરતરફ કરવાના આદેશને અકબંધ રાખ્યો છે. આરોપી એવા સીઆઈએસએફના કોન્સ્ટેબલ્સે તેમના સહયોગીની પત્ની સાથે ગેંગરેપ કર્યા બાદ તેને બ્લેકમેલ કરી હતી.

પીડિતાએ વર્ષ ૨૦૧૫માં આ મામલે ફરિયાદ નોંધાવી હતી અને આ સમગ્ર કેસ સામે આવ્યા બાદ આરોપીઓને બરતરફ કરી દેવામાં આવ્યા હતા. 

પીડિતાના કહેવા પ્રમાણે પહેલા એક આરોપીએ તેના સાથે મિત્રતા કરી હતી. બાદમાં અન્ય સાથીઓ સાથે મળીને દુષ્કર્મ કર્યું હતું અને બ્લેકમેલ કરી હતી. સીઆઈએસએફ દ્વારા આ વાતને ગંભીરતાથી લેવામાં આવી હતી તથા આરોપીઓને સેવામાંથી બરતરફ કરી દેવામાં આવ્યા હતા.

સીઆઈએસએફ ડિસિપ્લિનરી ઓથોરિટીએ કહ્યું હતું કે, સંગઠનમાં અનુશાસન તથા નૈતિકતા સર્વોપરી છે. આરોપીઓ દ્વારા કરવામાં આવેલા ગુનાને માફ ન કરી શકાય. જે ઘટના બની તેની નકારાત્મક અસર ડ્યુટી પર તૈનાત પીડિતાના પતિ પર પડશે.

ટ્રાયલ કોર્ટે આ કેસમાં તમામ ૮ આરોપીઓને ક્રિમિનલ ચાર્જીસમાંથી મુક્ત કરી દીધા હતા. તે આદેશ બાદ હાઈકોર્ટમાં કોન્સ્ટેબલ્સની બરતરફી મામલે અપીલ કરવામાં આવી હતી.

હાઈકોર્ટે જણાવ્યું કે, આ પ્રકારની ઘટનાઓમાં સીઆઈએસએફ દ્વારા બરતરફ કરવાનો આદેશ આપવામાં આવ્યો તે ઉચિત છે.

(12:00 am IST)