Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

ગુમ પુત્ર ન મળતાં ૧૭ વર્ષ બાદ પિતાએ ફાંસો ખાઈ લીધો

ગુમ બાળક ૧૭ વર્ષે પણ ન મળતાં પિતાનું અંતિમ પગલુ : કેરળના રાજુનો પુત્ર રાહુલ ૧૮ મે ૨૦૦૫માં ઘરેથી બહાર રમતા સમયે અચાનક લાપતા થઈ ગયો હતો

તિરુવનંતપુરમ, તા.૨૪ : પોતાના બાળકને ગુમાવવાનુ દુઃખ શુ હોય છે, તે તેના માતા-પિતા કરતા વધારે કોઈ જાણી શકે નહીં. આ દુઃખ ત્યારે વધી જાય છે જ્યારે એ પણ ખબર ના હોય કે બાળક ક્યાં ગયુ. કેરળમાં ૭ વર્ષનુ એક બાળક ૧૭ વર્ષ પહેલા રમતા-રમતા ગુમ થઈ ગયુ હતુ. કેરળના સૌથી સનસનીખેજ વણઉકેલ્યા કેસમાંથી એક આ મામલે પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને સીબીઆઈની ત્રણ ટીમએ વર્ષો સુધી શોધખોળ કરી, પરંતુ કંઈ ભાળ મળી નહીં. ત્યારથી પુત્રની શોધમાં લાગેલા તેના પિતા એ.આર. રાજૂએ ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી દીધી છે. પોલીસે આત્મહત્યાની પુષ્ટિ કરી છે પરંતુ રાજુએ આ પગલુ કેમ ઉઠાવ્યુ, તે વિશે કંઈ જણાવ્યુ નથી.અલપુઝાના રહેવાસી રાજુ ૫૨ વર્ષના હતા. તેમના પરિવારમાં પત્ની સિવાય એક પુત્રી પણ છે. જેનો જન્મ તેમના પુત્ર રાહુલના ગુમ થયા બાદ થયો હતો. પાડોશી એમએસ મુજીબના જણાવ્યા અનુસાર રાજુ છેલ્લા કેટલાય સમયથી નોકરીની શોધમાં હતા. પત્ની મિની એક સહકારી કંપની પાર્ટ ટાઈમ જોબ કરીને માંડમાંડ ગુજરાત ચલાવતી હતી. રવિવારે રાજુની પત્ની અને પુત્રી બહાર ગયા હતા ત્યારે રાજુએ આત્મહત્યા કરી લીધી.

રાજુનો પુત્ર રાહુલ ૧૮ મે ૨૦૦૫માં ઘરેથી બહાર રમતા સમયે અચાનક લાપતા થઈ ગયો હતો. તે સમયે રાજુ કુવૈતની એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા હતા. પુત્રના ગુમ થયાના સમાચાર મળતા જ તે નોકરી છોડીને બીજા જ દિવસે પાછો ફર્યો અને શોધખોળ કરવા લાગ્યા. પોલીસે આ કેસની તપાસ કરી. પછી ક્રાઈમ બ્રાન્ચે રાહુલને શોધવાનો પ્રયત્ન કર્યો. કોઈ પુરાવો ન મળતા કેસ સીબીઆઈને હવાલે કરી દેવાયો. સીબીઆઈની ત્રણ ટીમે વર્ષો સુધી રાહુલની તપાસ કરી. કંઈ જાણકારી ન મળતા સીબીઆઈએ ૨૦૦૯માં કોર્ટમાં કેસ બંધ કરવાની પરવાનગી માગી પરંતુ કોર્ટે વૈજ્ઞાનિક રીતે તપાસ કરવાનો આદેશ આપ્યો.સીબીઆઈએ તપાસ દરમિયાન રાજુના બે ડઝનથી વધારે પાડોશીઓની પૂછપરછ કરી.

એક પાડોશી રાજુ જ્યોર્જનો પોલિગ્રાફ ટેસ્ટ પણ કરાવ્યો. તમામ સ્થળો પર જઈને લાવારિસ મૃતદેહોમાં રાહુલને શોધ્યો. સમગ્ર દેશમાં ગુમ થયેલા બાળકોમાં તેને શોધ્યો. એક વખત આંધ્ર પ્રદેશમાં રેલવેના પાટા પર મળેલા એક મૃતદેહને જોઈને લાગ્યુ કે તે રાહુલની હોઈ શકે છે પરંતુ તેની તપાસ પણ બિનઅસરકારક રહી. આ દરમિયાન કેસમાં ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો, જ્યારે એક સગીર બાળકીના યૌન શોષણ અને હત્યાના આરોપમાં ધરપકડ કરાયેલા કૃષ્ણા પિલ્લઈ નામના શખ્સે દાવો કર્યો

નામના શખ્સે દાવો કર્યો કે તેણે રાહુલની હત્યા કરી છે. તેણે જણાવ્યુ કે તેણે રાહુલના મૃતદેહને અલપુઝાના એક તળાવમાં નાખી દીધો હતો. પોલીસે સમગ્ર વિસ્તારની શોધખોળ કરી પરંતુ કંઈ મળ્યુ નહીં. ૨૦૧૪માં સીબીઆઈએ કોચ્ચિના સીજેએમ કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ ફાઈલ કરી દીધા, જેનો કોર્ટે સ્વીકાર કરી દીધો છે. તેમ છતાં પણ રાજુ અને તેમના પરિવારે રાહુલના પાછા ફરવાની આશા છોડી નહીં. તેમણે જાતે સમગ્ર કેરળમાં ઘણી જગ્યાએ પુત્રની તપાસ કરી. તેઓ ફોન ઉપર સતત નજર રાખીને બેસતા કે કદાચ હમણા રાહુલ ફોન કરશે કેમ કે તેને ફોન નંબર યાદ હતો. તેનો ફોટો પોતાની પાસે રાખતા કેમ કે ક્યારેક તે મળી જાય તો તેને ઓળખી શકે.

આ દરમિયાન રાજુએ કુવૈત જઈને ફરીથી નોકરી કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આરોગ્ય ખરાબ થવાના કારણે પાછુ ફરવુ પડ્યુ પરંતુ હવે પરિવાર પર મુસીબતોનો એક વધુ પહાટ તૂટી પડ્યો છે રાજુએ આત્મહત્યા કરી લીધી છે.

 

(8:17 pm IST)