Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

બે ગુજરાતીઓ વચ્‍ચેની ‘કોર્પોરેટ વોર' કયાં જઇ અટકશે ?

બંને ઉદ્યોગપતિઓ વધુને વધુ ક્ષેત્રમાં પકડ જમાવવા માંગે છેઃ બિઝનેસ ઉંચે ને ઉંચે જઇ રહ્યો છે

નવી દિલ્‍હી, તા.૨૪: બે વર્ષ અગાઉ કોવિડની શરૂઆત થઈ ત્‍યારે બધાની નજર રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝના મુકેશ અંબાણી પર હતી, પરંતુ કોવિડ નિયંત્રણમાં આવ્‍યો ત્‍યારે સૌની નજર ગૌતમ અદાણી પર છે. બે વર્ષની અંદર અદાણી જૂથે એટલી પ્રગતિ કરી છે કે બંને ઉદ્યોગપતિઓના નામ હવે એકસાથે લેવામાં આવે છે અને એક પછી એક ઉદ્યોગમાં તેઓ ટક્કર લઈ રહ્યા છે. ગૌતમ અદાણી અત્‍યારે વિશ્વના છઠ્ઠા ક્રમના સૌથી ધનિક વ્‍યક્‍તિ છે અને ચાલુ વર્ષમાં જ તેમની સંપત્તિમાં ૩૦ અબજ ડોલરનો વધારો થયો છે. તેમની નેટવર્થ ૧૦૬ અબજ ડોલર છે જે ટેસ્‍લાના સ્‍થાપક ઈલોન મસ્‍કની નેટવર્થ કરતા અડધી છે, છતાં મુકેશ અંબાણીની સંપત્તિ કરતા તેઓ ૧૦ અબજ ડોલર વધુ નેટવર્થ ધરાવે છે.

અદાણી અને અંબાણી બંને રિન્‍યુએબલ એનર્જીમાં ભારતને બહુ આગળ લઈ જવા માંગે છે. પરંતુ અત્‍યારે તેઓ કોલસો, પામ ઓઈલ, પેટ્રોલ અને બિલ્‍ડિંગ મટિરિયલ્‍સ પર ખાસ ભાર મૂકી રહ્યા છે જેની ડિમાન્‍ડ કરતા સપ્‍લાય ઓછી છે. તેમાં પણ રોકાણકારોને અદાણી જૂથના શેરો વધુ પસંદ છે કારણ કે તે વધુ બોલ્‍ડ નિર્ણયો લે છે.

મુકેશ અંબાણી ગયા મહિને ૬૫ વર્ષના થયા છે અને તેમણે કોવિડ દરમિયાન ૨૦૨૦માં ૨૭ અબજ ડોલરનું ફંડ એકત્ર કર્યું હતું. સૌથી પહેલા તેમણે પોતાના ડિજિટલ બિઝનેસ માટે ફેસબૂક અને આલ્‍ફાબેટ પાસેથી ફંડ મેળવ્‍યું અને ત્‍યાર પછી રિટેલ ચેઈન માટે સિલ્‍વર લેક પાર્ટનર્સ અને કેકેઆર પાસેથી ફંડ એકત્ર કર્યું. ત્‍યાર બાદ ગૌતમ અદાણીએ મોટી ડીલ શરૂ કરી છે જેમાં તાજેતરમાં ૧૦.૫ અબજ ડોલરમાં હોલ્‍સિમનો સોદો સામેલ છે.

છેલ્લા એક વર્ષમાં અદાણી જૂથે ૩૨ એક્‍વિઝિશન કર્યા જેમાં તેમણે ૧૭ અબજ ડોલર ખર્ચ કર્યા છે. તેમની લિસ્‍ટેડ કંપનીઓનું કુલ દેવું ૨૦ અબજ ડોલર જેટલું છે.

અંબાણી સાથે તુલના કરવામાં આવે તો રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ ૧૩ અબજ ડોલરના મૂડીખર્ચની યોજના ધરાવે છે. રિલાયન્‍સ જૂથ નેચરલ ગેસનું ઉત્‍પાદન કરે છે અને સરકારે તેના ભાવમાં ૬૨ ટકાનો વધારો કરવા દીધો છે. વિશ્વભરમાં ફયુઅલની અછત હોવાથી રિલાયન્‍સની જામનગર રિફાઈનરી નું માર્જિન સતત વધતું જાય છે. બંને જૂથના શેરોની વાત કરીએ તો રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝનો શેર ૨૦૨૦માં ૧૨ મહિનાના અર્નિંગ કરતા ૨૯ ગણા ભાવે ટ્રેડ થતો હતો જે હવે ૨૧ ગણા ભાવે ટ્રેડ થાય છે. જયારે અદાણી એન્‍ટરપ્રાઈઝિસનો પીઈ રેશિયો ૧૨૪ છે જે તેને ઘણો મોંઘો શેર બનાવે છે.

મુકેશ અંબાણી કન્‍ઝ્‍યુમર બિઝનેસ પર વધારે ફોકસ આપે છે ત્‍યારે અદાણી મોટા ભાગે ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરને વળગી રહ્યા છે. તેના કારણે ભારતને ફોરેન પોલિસીમાં પણ મદદ મળે છે. શ્રીલંકાના ભૂતપૂર્વ પ્રમઉખ રાજપક્ષે ગયા વર્ષે ભારતની નિકટ આવવા પ્રયાસ કરતા હતા ત્‍યારે તેમણે કોલંબો પોર્ટ ટર્મિનલનો ૫૧ ટકા હિસ્‍સો અદાણીને સોંપ્‍યો હતો. તેમણે હોલ્‍સિમ સાથે ડીલ કરીને અંબુજા સિમેન્‍ટ અને એસીસી સિમેન્‍ટ ખરીદી તે પણ તેમની આક્રમક યોજના દર્શાવે છે.

(3:53 pm IST)