Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

રોટોમેક કાંડ : વિક્રમ અને રાહુલ રીમાન્ડ ઉપર લેવાયા

૧૧ દિવસના સીબીઆઇ રિમાન્ડ પર લેવાયા : ધરપકડ કરતા પહેલા દિલ્હીમા ૪ દિવસ પુછપરછ કરાઇ

લખનૌ,તા. ૨૪ : રોટોમેક લોન કોંભાડમાં કંપનીના માલિક વિક્રમ કોઠારી અને તેમના પુત્ર રાહુલ કોઠારીને લખનૌ સ્થિત સીબીઆઇનીખાસ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કોર્ટે તેમને ૧૧ દિવસ માટે સીબીઆઇ રિમાન્ડ પર મોકલી દેવાનો આદેશ કર્યો હતો. અત્રે નોંધનીય છે કે ગુરૂવારના દિવસે બન્નેની ધરપકડ કરવામાં આવી હતી. શુક્રવારના દિવસે વિક્રમ કોઠારી ને સીબીઆઇના અધિકારીઓએ દિલ્હીની પટિયાળા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ધરપકડ કરતા પહેલા ચાર દિવસ સુધી તેમની પુછપરછ કરવામાં આવી હતી. રોટોમેક લોન કોંભાડમાં વિક્રમ કોઠારી અને રાહુલ કોઠારી પર ૩૭૦૦ કરોડ રૂપિયાની છેતરપિડી કરવાનો આરોપ છે. તે પહેલા ઇડી દ્વારા કોઠારી અને તેમના પરિવારના સભ્યોપર વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. તે પહેલા કોઠારી અને તેમના પરિવારના સભ્યો પર જમીન, દરિયાઇ અને હવાઇ માર્ગે બહાર જવા પર પ્રતિબંધ મુક્યો હતો. એફઆઇઆરના કહેવા મુજબ કોઠારી પર બેંક ઓફ ઇન્ડિયાની ૭૫૪.૭૭ કરોડ, બેંક ઓફ બરોડાની ૪૫૬.૬૩ કરોડ, ઇન્ડિયન ઓવરસીઝ બેંકની ૭૭૧.૦૭ કરોડ, યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની ૪૫૮.૯૫ કરોડ, અલ્હાબાદ બેંકની ૩૩૦.૬૭ કરોડની રકમ બાકી છે. આ ઉપરાંત બેંક ઓફ મહારાષ્ટ્રના ૪૯.૮૨ કરોડ, ઓરિયન્ટલ બેંક ઓફ કોમર્સ  સાથે ૯૭.૪૭ કરોડ રૂપિયા બાકી છે.

આ તમામ જંગી રકમ પરત કરવામાં આવી નથી. સીબીઆઇએ તે પહેલા કોઠારીના કેટલાક સ્થળો પર દરોડા પાડ્યા હતા. કોઠારીના આવાસ, ઓફિસ, પરિવારના બેંક લોકરો અને કોટક મહિન્દ્રા બેંકમાં ઉંડી તપાસ કરવામાં આવી હતી. ઇડી દ્વારા પણ તેની સામે ઉંડી તપાસ કરવામાં આવી  હતી. ઇડીના આદેશ બાદ કોટક મહિન્દ્રા બેંકમાં વિક્રમ અને રોટોમેકના ચાલુ ખાતામાંથી ઉપાડ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો  હતો. આવકવેરા વિભાગના આદેશ પર રોટોમેક ગ્રુપના તમામ બેંક ખાતા સીજ કરી દેવામાં આવ્યા હતા. 

(7:38 pm IST)