Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

પીએનબી ફ્રોડ : નીરવ મોદી તેમજ મેહુલના પાસપોર્ટ રદ

નીરવ ગ્રુપની ૫૩૨ કરોડની સંપત્તિ જપ્ત કરાઇ : પાસપોર્ટ રદ કરવાથી આરોપી નીરવ મોદીને કોઇ અસર નહીં : તેની પાસે અન્ય કોઇ દેશોની નાગરિકતા હોઇ શકે

નવી દિલ્હી,તા. ૨૪ : પંજા નેશનલ બેંકની સાથે ૧૧૩૦૦ કરોડ રૂપિયાની ઠગાઇ કરનાર હીરા કારોબારી નીરવ મોદી અને તેમના મામા મેહુલ ચોકસીના પાસપોર્ટ આખરે રદ કરી દેવામાં આવ્યા છે. જો કે પાસપોર્ટ રદ થવાના કારણે તેમને કોઇ અસર થાય તેવી શક્યતા નહીંવત છે. કારણ કે આ પ્રકારના લોકો અન્ય કોઇ દેશની નાગરિકતા ધરાવતા હોય છે. બીજી બાજુ નીરવના કેટલાક કારોબારીઓએ દાવો કર્યો છે કે તેકેટલીક વખત બેલ્જિયમના પાસપોર્ટ પર વિદેશ યાત્રા કરતો નજરે પડ્યો છે. આ પહેલા વિદેશ મંત્રાલયએ બન્નેના પાસપોર્ટ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો. બન્નેને નોટીસ મોકલીને તેમના પાસપોર્ટ રદ કરવામાં કેમ ન આવે તે અંગે જવાબની માંગ કરી હતી. બન્નેને વહેલી તકે જવાબ આપવા માટે કહેવામાં આવ્યુ હતુ. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે જો જવાબ આવશે નહી તો માની લેવામાં આવશે કે બન્નેની પાસે કહેવા માટે કઇ પણ નથી. આવી સ્થિતીમાં પાસપોર્ટ રદ કરી દેવામાં આવનાર છે. હીરા કારોબારી સાથે જોડાયેલા લોકોનો દાવો છે કે નીરવ કેટલીક વખત બેલ્જિયમના પાસપોર્ટ પર મુસાફરી કરતો હતો.બીજી બાજુ  ઇડી દ્વારા નીરવ પર કઠોર કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તેની ૨૧ સંપત્તિ જપ્ત કરવામાં આવી ચુકી છે. જેમાં ફ્લેટ, ફાર્મ હાઉસ, સામેલ છે. જપ્ત કરવામાં આવેલી સંપત્તિની કિંમત અંદાજે ૫૨૩ કરોડ રૂપિયા છે. ઇડી દ્વારા નીરવના સ્થળો પર સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. નીરવ મોદીના કેટલાક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. એક જગ્યાએથી ૧૦ હજાર અતિ મોંઘી ઘડિયાળ જપ્ત કરવામાં આવી છે. તમામ ઘડિયાળને ૧૭૬ સ્ટીલની અલમારી, ૧૫૮ ડબ્બા અને ૬૦ પ્લાસ્ટિક બોક્સમાં ભરીને મુકવામાં આવી હતી. આ ઉપરાંત ૩૦ કરોડ બેલેન્સ ધરાવનાર ખાતાને પણ સીલ કરી દેવામાં આવ્યુ છે. ઇડી દ્વારા નીરવ સામે હવે ત્રીજી વખત સમન્સ જારી કરીને ઉપસ્થિત થવા માટે કહેવામાં આવ્યુ છે.

(7:22 pm IST)