Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

અમેરિકન ટીવી સ્ટાર કેલી જેનરના એક ટ્વીટથી સ્નેપચેટને 8445 કરોડની ચપત :વોલ સ્ટ્રીટમાં ખળભળાટ

કૅલીના એક ટ્વીટ બાદ સ્નેપચેટનો શેર ખરાબ રીતે તૂટી ગયો અને પળવારમાં કંપનીની માર્કેટ વેલ્યૂમાં 130 કરોડ ડૉલરનો ઘટાડો થઈ ગયો

 

અમેરિકન રિયાલિટી ટીવી સ્ટાર કૅલી જેનરે એક ટ્વીટ કર્યું કે સોશિયલ મીડિયા મેસેજિંગ અને મલ્ટીમીડિયા ઍપ સ્નેપચેટને 1.3 અબજ ડૉલર્સ એટલે કે 8445 કરોડ રૂપિયાની ચપત લાગી છે. કૅલીના એક ટ્વીટ બાદ સ્નેપચેટનો શેર ખરાબ રીતે તૂટી ગયો અને પળવારમાં કંપનીની માર્કેટ વેલ્યૂમાં 130 કરોડ ડૉલરનો ઘટાડો થઈ ગયો.

   કૅલી જાણિતી કલાકાર કિમ કારદશિયાંની સાવકી બહેન છે. તેમણે ટ્વીટ કર્યું હતું, "શું અન્ય કોઈએ પણ સ્નેપચેટને ખોલવાનું બંધ કરી દીધું છે? કે પછી માત્ર હું આવું કરી રહી છું...ઓહ ખૂબ દુખદ છે."

  સ્નેપચેટ પર કૅલીના 2.45 કરોડ ફૉલોઅર્સ છે અને કરોડો લોકો સ્નેપચેટનો ઉપયોગ કરે છે.હાલમાં કંપનીએ તેની ડિઝાઇન બદલી છે, પરંતુ મોટા ભાગના લોકોને ડિઝાઇનમાં થયેલો બદલાવ પસંદ નથી આવ્યો. હાલમાં દસ લાખ લોકોએ બદલાવને પાછા ખેંચવાની માગણી કરતી અરજી દાખલ કરી છે.

    કૅલીએ ટ્વીટ કરતાની સાથે સ્નેપચેટની પેરેન્ટ કંપનીનો શેર ગુરુવારે વૉલ સ્ટ્રીટમાં આઠ ટકા ઘટી ગયો. જોકે, દિવસ દરમિયાન શેરની કિંમતમાં થોડીઘણી રિકવરી થઈ, પરંતુ પછી તે 6.06 ટકાના ભાવ ઘટાડા સાથે બંધ થયો.

   સ્નેપચેટને ફેસબુકના ઇંસ્ટાગ્રામથી જોરદાર સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે અને સેલિબ્રિટીઝમાં ઇંસ્ટાગ્રામ ઝડપથી લોકપ્રિય બની રહ્યું છે. રોકાણકારો માટે તો ચિંતાની વાત છે . કૅલીના ટ્વીટે તેમને મોટી ચપત લગાવી દીધી છે.જોકે, ત્યારબાદ કૅલીએ વધુ એક ટ્વીટ કર્યુ, "હજી પણ હું સ્નેપચેટને પ્રેમ કરું છું...મારો પહેલો પ્રેમ."

     સ્નેપચેટે નવેમ્બરમાં મેસેજિંગ ઍપની ડિઝાઇનમાં બદલાવ કર્યો હતો. ત્યાર પછી યૂઝર્સની ફરિયાદો મળવી શરૂ થઈ ગઈ હતી. પરંતુ સ્નેપચેટના વડા ઇવાન સ્પાઇજેલે ફરિયાદોને એમ કહીને નજરઅંદાજ કરી હતી કે યૂઝર્સને ડિઝાઇન સાથે અનુકૂલન સાધવામાં થોડો સમય લાગશે.

   સ્નેપચેટની મુસિબતો અહીં સુધી મર્યાદિત નથી. એવા સમાચાર પણ છે કે, ઇવાન સ્પાઇજેલનાં ઊંચા વેતનને લઇને પણ રોકાણકારોમાં નારાજગી છે. સમાચારો અનુસાર ગત વર્ષે 63 કરોડ 78 લાખ ડૉલરનો પગાર ચૂકવવામાં આવ્યો હતો.

  એમ મનાય છે કે, કંપનીઓના સીઈઓ (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર - મુખ્ય કારોબારી અધિકારી)ના પગારના મામલે અત્યાર સુધીની ત્રીજી સૌથી મોટી રકમ છે.

(12:49 am IST)