Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

બજેટ ૨૦૧૮: બધા લોકોને ઘર આપવા અરૂણ જેટલી કરશે ખાસ જાહેરાત

નવી દિલ્હી તા. ૨૪ : નાણાપ્રધાન અરૂણ જેટલી હાઉસિંગ ફોર ઓલના વાયદાને પૂરો કરવા માટે આ વખતે બજેટમાં ખાસ જાહેરાત કરી શકે છે. આ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ વધારેમાં વધારે લોકો સુધી પહોંચી શકે તેનું ખાસ ધ્યાન રાખીને જેટલી કેટલીક મહત્વની જાહેરાત કરી શકે છે. જેટલી આ બજેટમાં ખાસ રીતે પ્રોજેકટની ધીમી ગતિ વધારવા પર જોર આપશે. આ અંતર્ગત ઈન્ટરેસ્ટ સબસિડીનો વ્યાપ વધારવાથી લઈને વધારે બજેટ પ્રપોઝલ સુધીની તૈયારી છે. સરકારની યોજના છે કે તે ૨૦૨૨ સુધી ૩ કરોડ ઘર આપીને તેઓ હાઉસિંગ ફોર ઓલનું વચન પૂરૂ કરશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વધારેમાં વધારે લોકોને સબસિડીનો ફાયદો મળે એટલા માટે નાણાપ્રધાન અરૂણ જેટલી બજેટના નિયમોમાં ઘણા મહત્વના બદલાવોની જાહેરાત કરી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર જેટલી ૬ લાખ રૂપિયા સુધીની આવકવાળા લોકોને મોટી રાહત આપી શકે છે. આ અંતર્ગત મોટા ઘરો ૬.૫ ટકા ઈન્ટરેસ્ટ સબસિડી અંતર્ગત આવી શકે છે. અત્યારે ૩ લાખ રૂપિયા સુધીની આવકવાળા લોકોને ૩૦ વર્ગ મીટરના ઘર અને ૩-૬ લાખ રૂપિયા જેટલી વાર્ષિક આવક ધરાવતા લોકોને ૬૦ વર્ગ મીટરના ઘર પર ૬.૫ ટકા હોમલોન પર ઈન્ટરેસ્ટ સબસિડી મળે છે. તો આનાથી પણ વધારે ઈન્કમગ્રુપને હોમ લોનના ઈન્ટરેસ્ટ પર ૩-૪ ટકા સુધી સબસિડી મળે છે.

(4:16 pm IST)