Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

શહેરી વિસ્તાર પર મુખ્ય ફોકસ

સંઘની સ્ટ્રેટેજી અપનાવીને ભાજપને હંફાવવાનો હાર્દિકનો પ્લાન

RSS પ્રચારકો જેવી ટીમ બનાવી ભાજપ સરકાર વિકાસના જે ખોટા દાવા કરે છે તેના વિશે લોકોને જણાવશે

મુંબઇ તા. ૨૪ : પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલ હવે ભાજપ સરકારનો ઉગ્ર વિરોધ કરવા માટે પ્રચારકોની એક કેડરની રચના કરશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના તર્જ પર આ પ્રચારકોની ટીમ તૈયાર કરવામાં આવશે.

પાસનો કન્વીનર હાર્દિક પટેલ સૌથી પહેલા પ્રાથમિક ધોરણે ૨૪૯૦ પ્રચારકોની ટીમ તૈયાર કરશે. આ લોકો રાજયભરમાં લોકોને તેમના અધિકારો વિષે જણાવશે અને સરકારની નીતિઓના અમલીકરણમાં રહેલી ખામીઓ વિષે જાગૃત કરશે. ૨૦૧૭માં ગુજરાતમાં થયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન શહેરી વિસ્તારોમાં પાટીદારોએ ભાજપનો સાથ નહોતો છોડ્યો, માટે હાર્દિકનું મુખ્ય ફોકસ શહેરી વિસ્તારોમાં રહેશે.

આ વિષે હાર્દિક પટેલે જણાવ્યું કે, તે RSS પ્રચારકો જેવી એક ટીમ તૈયાર કરશે અને ભાજપ સરકાર વિકાસના જે ખોટા દાવા કરે છે તેના વિષે લોકોને જણાવશે. શરુઆતમાં ગુજરાતના દરેક તાલુકામાં ૨૫૬ લીડર્સની એક ટીમ તૈયાર કરવામાં આવશે.

હાર્દિકે જણાવ્યું કે, ભાજપની રાજય અને કેન્દ્ર સરકારના અમારા અભિયાનને આ ટીમ્સ આગળ લઈ જશે. શહેરી યુવાનોને ધ્યાનમાં રાખીને મેં સોશિયલ મીડિયા કેમ્પેઈનર્સની એક ટીમ તૈયાર કરી લીધી છે. સોશિયલ મીડિયાની મદદથી મેસેજ ઝડપથી પહોંચી શકે છે.

નોંધનીય છે કે ૨૦૧૫માં અનામત આંદોલન શરુ થયુ તે પહેલા હાર્દિક પોતે RSS અને વિશ્વ હિન્દુ પરિષદ જેવી સંસ્થાઓ સાથે જોડાયેલો હતો. હાર્દિકે ૧૮૨ સભ્યોની એક નવી ટીમની રચના કરી છે, જે દરેક સભ્ય વિધાનસભા ક્ષેત્રને રિપ્રેસન્ટ કરશે.પાસના સૂત્રોએ જણાવ્યું કે, અમે લોકો ભાજપને તેમની જ સ્ટાઈલમાં હરાવીશુ. અમારા ઘણાં સભ્યો પહેલા ભાજપ અથવા RSS સાથે જોડાયેલા હતા. તે લોકો ઘણી સારી તેમના કામની સ્ટાઈલને સમજે છે અને તેમને કઈ રીતે હેન્ડલ કરવા તે પણ જાણે છે.

ગુજરાત RSSના ચીફ મુકેશ માલકણ કહે છે કે, કોઈ અમારા કામ કરવાની સ્ટાઈલ અપનાવે છે તો તે તેમના માટે પણ સારી વાત છે. હાર્દિક નાનો છે. જો તે અમારી સ્ટાઈલમાં કામ કરશે તો સંતની જેમ વર્તન કરશે. તેના માટે સારી વાત છે.

(4:16 pm IST)