Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

યુનોની ટીમના આગમન પહેલા

ધરપકડના ડરથી ફફડી રહ્યો છે નાલાયક હાફીઝ સઇદ

લાહોર હાઇકોર્ટમાં અરજી કરવા દોડયોઃ મારી ધરપકડ ન થાય તે માટેના આદેશો આપવા માંગણી

નવી દિલ્હી તા.ર૪ : સંયુકત રાષ્ટ્રની ટીમની મુલાકાત પુર્વે મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડને પોતાની ધરપકડનો ડર સતાવી રહ્યો છે. હાફીઝ સઇદે યુનોની પ્રતિબંધ વોચ સમિતિની ઇસ્લામાબાદની મુલાકાત પહેલા પોતાની ધરપકડથી બચવા માટે લાહોર હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. સઇદનું કહેવુ છે કે સરકાર અમેરિકા અને ભારતના કહેવા પર મારી ધરપકડ કરવા માંગે છે. અત્રે એ નોંધનીય છે કે સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિબંધ વોચ સમિતિ આ સપ્તાહે ઇસ્લામાબાદની મુલાકાત લેવાની છે.

આ સમિતિ વૈશ્વિક સંસ્થાઓ તરફથી મુકવામાં આવેલા પ્રતિબંધોના બારામાં પાકિસ્તાન દ્વારા નિયમોના પાલનની સમીક્ષા કરવા આવી રહી છે. આ મુલાકાત કાલથી શરૂ થશે. એક મીડીયા રિપોર્ટ મુજબ પાકિસ્તાન આ સમિતિને જમાત ઉદ્દ દાવાના વડા હાફીઝ સઇદ કે તેની સંસ્થાઓ સુધી સંપર્ક થવા નહી દયે.

નાલાયક સઇદે પોતાના અને ખુદના સંગઠન વિરૂધ્ધ સંભવિત કાર્યવાહીને ધ્યાનમાં રાખી પોતાના વકીલ થકી કોર્ટમાં અરજી કરી છે. જેમાં તેણે પોતાની ધરપકડ અને સંગઠન વિરૂધ્ધ કાર્યવાહી નહી કરવાના આદેશ આપવા માંગણી કરી છે. તોઇબાના સ્થાપકે કહ્યુ છે કે પાક. સરકાર તેની વિરૂધ્ધ કાર્યવાહી કરવા માંગે છે.(૩-૫)

(10:14 am IST)