Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

પદ્માવતઃ વિરોધમાં નેતાએ આપી સંસદ અને સુપ્રિમ કોર્ટ ઉપર હુમલાની ધમકીઃ નોંધાયો દેશદ્રોહનો કેસ

બરેલી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી ફરિયાદઃ આરોપી ફરાર

નવી દિલ્હી તા.ર૪ : ફિલ્મ પદ્માવતને રીલીઝ કરવા માટે સુપ્રિમ કોર્ટના આદેશ બાદ પણ નિર્દેશક સંજય લીલા ભણસાલીની મુશ્કેલી ઓછી થતી હોવાનુ દેખાતુ નથી. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને યુપીની સાથે દેશના અન્ય રાજયોમાં ફિલ્મ રીલીઝ થવા સામે વિરોધ ચાલુ છે. સોશ્યલ મીડીયામાં વિરોધ ચાલુ છે. જેમાં અખિલ ભારતીય ક્ષત્રિય સંગઠનનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં સંગઠનના યુવા એકમના ઉપાધ્યક્ષ સંસદ, સુપ્રિમ કોર્ટ ઉપર હુમલાની ધમકી દેતા નજરે પડે છે. જો કે આ મામલાને ગંભીરતાથી લેતા પોલીસે આરોપી શખ્સ વિરૂધ્ધ દેશદ્રોહનો કેસ નોંધ્યો છે. આરોપીની ઓળખ ભુવનેશ્વરના સ્વરૂપમાં થઇ છે. વિડીયોમાં તેણે આરોપ મુકયો છે કે કોર્ટે પદ્માવતીની તુલના બેન્ડેડ કવીન સાથે કરી છે. વિડીયોમાં સંગઠનના ઉપાધ્યક્ષે ગૃહમંત્રી રાજનાથ સિંહ અને અન્ય પ્રધાનોની હાર સુનિશ્ચિત કરવા પણ ધમકી આપી છે. ફરાર આરોપીની શોધખોળ થઇ રહી છે. પોલીસે આરોપી સામે બરેલી પોલીસ સ્ટેશનમાં કલમ-૧ર૪-એ, પ૦૬ આઇટી એકટની કલમ ૬૭ હેઠળ એફઆઇઆર નોંધી છે.

આ પહેલા કાનપુરના એક મલ્ટી પ્લેકસમાં કરણી સેનાના એક ડઝન સભ્યોએ ફિલ્મ સામે દેખાવો કર્યા હતા. ફિલ્મના પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા હતા, કાચ તોડવામાં આવ્યા હતા. કર્મચારી સાથે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો હતો. સેનાએ ફિલ્મ ઉપર પ્રતિબંધની માંગણી કરી છે.

(10:14 am IST)