Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

સેના જલ ખરીદશો તો આર્મીના સૈનિકોને અને શહીદોના પરિવારોને મદદ મળશે

છ રૂપિયાની આ વોટર-બોટલના વેચાણમાંથી જે કમાણી થશે એ તેમના કલ્યાણ માટે ખર્ચ કરવામાં આવશેઃ આર્મી વાઇવ્ઝ વેલ્ફેર એસોસીએશનની અનોખી પહેલ

નવી દિલ્હી તા.ર૪ : આર્મી વાઇવ્ઝ વેલ્ફેર એસોસીએશન (AWWA) 'સેના જલ' નામે બોટલ્ડ ડ્રિન્કિંગ વોટર વેચીને સૈનિકોના પરિવારોને મદદ કરશે. 'સેના જલ'ના એક બોટલ પાણીની કિંમત છ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આર્મી ચીફ જનરલ બિપિન રાવતના પત્નિ મધુલિકા રાવતના પ્રમુખ પદ હેઠળના સંગઠન AWWA દ્વારા બોટલ્ડ ડ્રિન્કિંગ વોટરના વેચાણ દ્વારા થનારી આવકનો ઉપયોગ લશ્કરના જવાનો અને શહીદોની પત્નિઓના કલ્યાણ માટે કરવામાં આવશે.

સેના જલની ડિલરશીપ અને ડ્રિસ્ટ્રબ્યુટરશીપ માટે નોર્થ બ્લોકસ્થિત આર્મી હેડકવાર્ટરના સરનામે સંપર્ક કરવાનો અનુરોધ AWWAના હોદેદારોએ કર્યો છે. હાલમાં દેશના બસ-ડેપો, રેલ્વે સ્ટેશન્સ અને એરપોર્ટસ પર વેચાતા એક લીટર બોટલ્ડ ડ્રિન્કિંગ વોટરની કિંમત રૂ.ર૦ થી ૩૦ રૂપિયા જેટલી હોય છે. શહીદોના પરિવારોને મદદ માટે સક્રિય AWWAમાં સૈનિકો અને અધિકારીઓની પત્નિઓ સામેલ છે. બ્રેવહાર્ટસ એમ્પાવરમેન્ટ પ્રોજેકટ હેઠળ શરૂ કરવામાં આવેલુ AWWA શહીદોની પત્નિઓને ભાવનાત્મક અને નાણાકીય સહાય કરે છે. તેમના સંતાોની જરૂરીયાતો માટે પણ મદદરૂપ થાય છે. એ કાર્ય માટે બોટલ્ડ ડ્રિન્કિંગ વોટરની માફક પેપર રિસાઇકલીંગ પ્લાન્ટ અને લંચ પ્રોજેકટ ચલાવવામાં આવે છે. આહવાન અને પરિશ્રમ સેલ જેવા પ્રોજેકટસ પણ ચલાવવામાં આવે છે.

(9:39 am IST)