Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

'ઝૂક્યા ભણસાલી - જીત્યા રાજપૂત' : ફિલ્મમાં કપાવવા જોઈતા લગભગ દ્રશ્યો કપાયા : ઘૂમર ગીતમાં કોઈ પરપુરુષ કે સ્ત્રીના પેટનો ભાગ દેખાતો નથી

પદ્માવત ફિલ્મ જોયા બાદ કરણી સેનાના સાથી ઈતિહાસકારો હેમેન્દ્ર રાજપુત અને સુરેશ ચૌહાણે આપી પ્રતિક્રિયા : "હવે જો કોઈને આંદોલન કરવું હોઈતો ફિલ્મ એકવાર જોઇને પછી કરે : મહદઅંશે ફિલ્મમાં રાજપુતોનું ગૌરવ જ દર્શાવાયું છે..."

કાલે કરણી સેનાના નેતાઓ સાથે વાતચીત બાદ નિર્ણય જાહેર કરાશે

અમદાવાદ : કરણી સેનાના સાથી ઈતિહાસકારો ઇતિહાસકાર હેમેન્દ્ર રાજપુત અને સુરેશ ચૌહાણે પદ્માવત ફિલ્મ નિહાળીને પોતાની પ્રતિક્રિયા આપતા ટ્વીટ કર્યું હતું કે "ઝૂક્યા ભણસાલી, જીત્યા રાજપૂત" આ અંગે કરણી સેનાના સાથી ઇતિહાસકારોએ જણાવ્યું હતું કે ફિલ્મમાં ઘણા દ્રશ્યોને કાપી નખાયા છે જેની સામે વાંધો હતો. હવે ઘુમર ગીતમાં કોઈ પરપુરુષ કે ગીતમાં અભિનેત્રીના પેટનો ભાગ પણ દેખાતો નથી.

દરમ્યાન ફિલ્મના ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીએ કરણી સેનાને ફિલ્મ રિલીઝ પહેલાં ફિલ્મને જોવાનું આમંત્રણ આપ્યું હતું. આ ફિલ્મને જોયા બાદ કરણી સેનાના સાથી ઈતિહાસકારોએ પોતાની પ્રતિક્રિયા અપાતા કહ્યું હતું કે પહેલાં કરતાં ફિલ્મમાં ઘણાં દ્રશ્યો કાપી નાખવામાં આવ્યાં છે અને ઇતિહાસની દ્રષ્ટિએ જે દ્રશ્યો કપાવવા જોઈતા હતાં તે કાપવામાં આવ્યાં છે. જેથી હવે રાજપૂતોએ આંદોલનો કરવાની જરૂર નથી તેમ કરણી સેનાના સાથી ઈતિહાસકારોએ જણાવ્યું હતું.

ઈતિહાસકારોએ ફિલ્મ જોયા બાદ કહ્યું હતું કે ઘૂમર ગીતમાં હવે પરપુરુષો જોવા મળતાં નથી. તેમજ માં પદ્માવતી તરીકે દેખાતી દિપીકા પાદુકોણના પેટનો ભાગ પણ ગીતમાં દેખાતો નથી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે મોટા ભાગના દ્રશ્યો અને વાતો જેમના પર અમારો વિરોધ હતો તેના પર ફિલ્મમાં કાપ મુકવામાં આવ્યો છે અને તેનાથી હવે કોઈ પણ આપત્તિ નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે "હવે જો કોઈને આંદોલન કરવું હોઈતો ફિલ્મ એકવાર જોઇને પછી કરે : મહદઅંશે ફિલ્મમાં રાજપુતોનું ગૌરવ જ દર્શાવાયું છે..."

હાલમાં કરણી સેનાએ જે  વિરોધ પ્રદર્શનો કર્યા હતા તેના પર પ્રતિક્રિયા આપતા આ ઈતિહાસકારોએ કહ્યું હતું કે માત્ર અમારા વિરોધના કારણે ભણસાલી ઝૂક્યાં અને આ પ્રકારના બદલાવ કરવામાં આવ્યાં હતાં. જેથી આ વિરોધ પ્રદર્શનો કરવાની અમને ફરજ પાડવામાં આવી હતી.

(12:22 am IST)