Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

અંબાણી બિઝનેસ સામ્રાજ્‍ય નવી પેઢીને સોંપવાની તૈયારીમાં

દેશના સૌથી મોટા શ્રીમંત પોતાના સામ્રાજ્‍યના ઉત્તરાધિકારમાં કોઈ વિવાદ ઈચ્‍છતા નથીઃ આ માટે તેઓએ અનેક પ્રકારના મોડેલનો અભ્‍યાસ કર્યોઃ વોલ્‍ટન પરિવારનું મોડેલ સૌથી વધુ પસંદ આવ્‍યું : અંબાણીએ ઉત્તરાધિકાર પ્રક્રિયાને વેગવંતી બનાવીઃ પરિવારના હોલ્‍ડીંગને એક ટ્રસ્‍ટમાં નાખવા ઈચ્‍છે છે જે રિલાયન્‍સનું સંચાલન કરશેઃ અંબાણી પરિવારની આ નવી કંપનીમાં ભાગીદારી રહેશે અને તેઓ બોર્ડમાં સામેલ થશેઃ બોર્ડમાં વિશ્વાસુઓ સલાહકારની ભૂમિકા ભજવશે

નવી દિલ્‍હી, તા. ૨૩ :. ભારત અને એશિયાના સૌથી મોટા ધનપતિ મુકેશ અંબાણી પોતાના ૨૦૮ અબજ ડોલરના બીઝનેશ સામ્રાજ્‍યને નવી પેઢીના હાથોમાં સોંપવાની તૈયારી કરી રહ્યા છે. આ માટે તેઓ ઉત્તરાધિકારનો એક એવો ફુલપ્રુફ પ્‍લાન બનાવી રહ્યા છે કે આગળ જતા કોઈપણ પ્રકારનો વિવાદ ઉભો ન થાય. આ માટે તેઓ દુનિયાભરના અબજપતિ પરિવારોના ઉત્તરાધિકાર મોડલનો અભ્‍યાસ કર્યો છે. જેમાં વોલ્‍ટનથી લઈને કોચ પરિવારનો સમાવેશ થાય છે. બ્‍લુમબર્ગના જણાવ્‍યા પ્રમાણે હાલના દિવસોમાં અંબાણીએ પ્રક્રિયાને વેગવંતી બનાવી છે.
સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે ૬૪ વર્ષના મુકેશ અંબાણીને વોલમાર્ક ઈન્‍ક.ના વોલ્‍ટન પરિવારનું મોડલ સૌથી વધુ પસંદ આવ્‍યુ છે. તેઓ પરિવારના હોલ્‍ડીંગને એક ટ્રસ્‍ટમાં નાખવા ઈચ્‍છે છે જે દેશની સૌથી મૂલ્‍યવાન કંપની રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ લી.નું સંચાલન કરશે. અંબાણી, તેમના પત્‍નિ નીતા અંબાણી અને તેમના ત્રણ બાળકોની આ નવી સંસ્‍થામાં હિસ્‍સેદારી હશે અને તેઓ તેના બોર્ડમાં સામેલ થશે. આ બોર્ડમાં અંબાણી પરિવારના વિશ્વાસુ લોકો સલાહકારની ભૂમિકામાં હશે તેમ મીન્‍ટ અને બિઝનેશ સ્‍ટાન્‍ડર્ડના એક અહેવાલમાં જણાવ્‍યુ છે.
સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે કંપનીનું મેનેજમેન્‍ટ પ્રોફેશ્‍નલ લોકોના હાથમાં હશે જેઓ રિલાયન્‍સ અને તેના બીઝનેશનું ધ્‍યાન રાખશે. રિલાયન્‍સનો બીઝનેશ રીફાઈનીંગ, પેટ્રોકેમીકલ્‍સથી લઈને ટેલીકોમ્‍યુ, ઈ-કોમર્સ અને ગ્રીન એનર્જી સુધી ફેલાયેલો છે. અંબાણી હજુ અનેક વિકલ્‍પો ઉપર વિચારણા કરી રહ્યા છે અને તેમણે કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. આ બાબતે રિલાયન્‍સના પ્રતિનિધિઓ અને અંબાણીએ બ્‍લુમબર્ગ ન્‍યુઝના ઈમેઈલ અને ફોનકોલ્‍સનો જવાબ નથી આપ્‍યો.
અંબાણીએ રિલાયન્‍સના ચેરમેન અને મેનેજીંગ ડીરેકટરનું પદ છોડવા માટે સાર્વજનિક રીતે કોઈ જાહેરાત કરી નથી પરંતુ તેમના બાળકો હવે બીઝનેશને લઈને વધુ સક્રિય નજરે પડી રહ્યા છે. જૂનમાં શેર હોલ્‍ડર્સને સંબોધન કરતા અંબાણીએ સંકેત આપ્‍યો હતો કે આકાશ, ઈશા અને અનંત રિલાયન્‍સમાં મહત્‍વની ભૂમિકા ભજવશે. મુકેશ અંબાણી અને તેના ભાઈ અનિલ અંબાણી વચ્‍ચે જેટલો વિવાદ થયો હતો તે જોતા મુકેશ અંબાણી ઘણી સાવચેતી રાખી ચાલવા માંગે છે.
સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે અંબાણીને વોલમાર્ક ઈન્‍કના વોલ્‍ટન પરિવારનું મોડલ સૌથી વધુ પસંદ આવ્‍યુ છે. ૧૯૯૨માં કંપનીના ફાઉન્‍ડર સેમ વોલ્‍ટનના મોત બાદ જે રીતે તેમના બીઝનેશને ટ્રાન્‍સફરનું મેનેજમેન્‍ટ કરવામાં આવ્‍યુ હતુ તે અંબાણીને સારૂ લાગ્‍યુ છે. દુનિયાના સૌથી શ્રીમંત પરિવાર વોલ્‍ટન પરિવારે ૧૯૮૮થી જ કંપનીના રોજીંદા બીઝનેશને મેનેજરોના હાથમાં સોંપ્‍યો હતો અને તેના પર નજર રાખવા માટે એક બોર્ડ બનાવ્‍યુ હતું. સેમના સૌથી મોટા પુત્ર રોબ વોલ્‍ટન અને તેના ભત્રીજા સ્‍ટુઅર્ટ વોલ્‍ટન વોલમાર્ટ બોર્ડમાં સામેલ છે. ૨૦૧૫માં સેમના ગ્રાન્‍ડ સન ઈન લો ગ્રેગ પેનરને કંપનીના ચેરમેન બનાવાયા હતા. તેની ટીકા થઈ હતી કે શેર હોલ્‍ડર્સને બદલે પરિવારને  મહત્‍વ અપાયુ છે. સેમે પોતાના મોતના ૪૦ વર્ષ પહેલા ૧૯૫૩માં જ ઉત્તરાધિકાર યોજના પર કામ કરવાનું શરૂ કર્યુ હતુ. તેમણે પારિવારીક બીઝનેશનો ૮૦ ટકા હિસ્‍સો પોતાના ચાર બાળકોને આપી દીધો હતો.
ધીરૂભાઈ અંબાણીના નેતૃત્‍વમાં ૮૦ અને ૯૦ના દાયકા રિલાયન્‍સ માટે ઘણા સારા હતા પરંતુ ૨૦૦૧માં ધીરૂભાઈના અવસાન બાદ બન્ને ભાઈઓમાં વિવાદ થઈ ગયો અને બીઝનેશના ભાગલા પાડવા પડયા. અનિલ અંબાણીના હિસ્‍સામાં કોમ્‍યુનિકેશન, પાવર, કેપીટલ બીઝનેશ આવ્‍યો તો મુકેશ અંબાણીને રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ મળ્‍યુ હતું.
ધીરૂભાઈ અંબાણીના મોત બાદ બન્ને બાળકોમાં જે વિવાદ પેદા થયો હતો તેને નિપટાવવા માટે ખુદ તેમની માતાએ વચ્‍ચે પડવુ પડયુ હતું. ૨૦૦૪માં વિવાદ સામે આવ્‍યો જે પછી કોકિલાબેને કંપનીના બે કટકા કરી બન્ને પુત્રોને સમાન હિસ્‍સો આપ્‍યો હતો. બન્ને ભાઈઓ વચ્‍ચે વિવાદ લગભગ ૪ વર્ષ ચાલ્‍યો હતો.

 

(10:54 am IST)