Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

બિહારને બિમારૂ રાજ્ય સર્જનારને લોકો સત્તા નહીં સોંપેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દાવો

બિહાર ચૂટંણીના પ્રચાર માટે વડાપ્રધાનની સાસારામમાં જાહેરસભા : જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષો પર આકરા પ્રહાર કર્યા : આરજેડીના શાસનમાં બિહારમાં કાયદો-વ્યવસ્થા ખુબ કથળેલી હતી

સાસારામ, તા. ૨૩ : કોરોના કાળમાં બિહાર વિધાનસભા ચૂંટણી સૌપ્રથમ મહત્વની રાજકીય ઈવેન્ટ હોવાથી રાજ્ય જ નહીં સમગ્ર દેશવાસીઓની નજર તેના પર રહેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બિહારના સાસારામ ખાતે કોરોના કાળમાં સૌપ્રથમ જાહેરસભા સંબોધતા વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. આરજેડીના શાસનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી હોવાનું જણાવીને પીએમ મોદીએ કહ્યું કે, જે લોકો બિહારને બીમારુ રાજ્ય બનાવવાનો ઈતિહાસ ધરાવે છે તેમને સત્તામાં પરત નહીં આવવા દેવાય. સાસારામ રેલીમાં વડાપ્રધાને સૌપ્રથમ એલજેપીના સ્થાપક રામ વિલાસ પાસવાન અને આરજેડીના પૂર્વ નેતા રઘુવંશ પ્રસાદ સિંહને શ્રદ્ધાંલજલિ આપી હતી. પીએમે જણાવ્યું કે બિહાર વિધાનસભાની ચૂંટણી અગાઉ જ જનતાએ તેમનો સંદેશ આપી દીધો છે અને તમામ સર્વેમાં એનડીએની સરકાર ફરી સ્થપાશે તેવા સંકેત મળી રહ્યા છે.   

ઉલ્લેખનીય છે કે બીમારુ શબ્દપ્રયોગ બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન તેમજ ઉત્તર પ્રદેશના સંદર્ભમાં કરવામાં આવે છે જે આર્થિક રીતે પછાત રાજ્યોમાં આવે છે. લદ્દાખના ગલવાન ખીણ ખાતે ચીન સાથે લશ્કરના ઘર્ષણનો ઉલ્લેખ કરીને વડાપ્રધાને જણાવ્યું કે બિહારના સપૂતોએ ત્રિરંગા માટે તેમના પ્રાણ ન્યોછાવર કરી દીધા, પરંતુ ભારત માતાનું શિશ ઝૂકવા દીધું નહીં. કાશ્મીરના પુલવામામાં થયેલા હુમલામાં પણ બિહારના જવાનો શહીદ થયા હતા.

વડાપ્રધાને જમ્મુ અને કાશ્મીરમાં કલમ ૩૭૦ને પુનઃ સ્થાપિત કરવાની માગ કરનારા વિપક્ષ પર ચાબખાં મારતા કહ્યું કે, આવા લોકો દેશને નબળો પાડનારા તત્વોની તરફેણ કરે છે. ભારત તેના નિર્ણય પર અડગ રહેશે. પીએમ મોદીએ કૃષિ બિલનો વિરોધ કરી રહેલા વિપક્ષને આડે હાથ લેતા જણાવ્યું કે, આ લોકો વચેટિયાઓનો સાથ આપી રહ્યા છે.

(7:27 pm IST)