Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

એજાઝ ખાન ફરી વિવાદમાં : પંડિતોને ગાળો ભાંડતો વિડીયો વાયરલ

એજાઝ ખાને આ વિડીયો ગતવર્ષે યુ-ટયુબ ઉપર મુકયાની પણ ભારે ચર્ચા : કપિલ મિશ્રા સહિતના નેતાઓએ ટ્વીટ કરી ધરપકડની માંગ કરી

નવી દિલ્હીઃ વિવાદિત નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહેતા એકટર એજાઝ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એજાઝ પંડિતો વિરૂદ્ઘ અપશબ્દોનો ઉપયોગ કરતા ગાળાગાળી કરતા નજરે ચડે છે. વીડિયો વાયરલ થયા બાદ ભાજપના નેતા કપિલ મિશ્રા સહિત અનેક લોકોએ એજાઝ ખાનની તત્કાળ ધરપકડની માગણી કરી છે.

ઝી ન્યુઝના અહેવાલમાં જણાવ્યું છે કે આ વીડિયો હાલનો નથી પરંતુ એક વર્ષ જૂનો છે. જેને એજાઝ ખાને ગત વર્ષે આઠ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ પોતાના યુટ્યૂબ એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો. આ દરમિયાન દિલ્હીના એક યુવક સાહિલની હત્યા થઈ હતી. તે મુદ્દા પર એજાઝ ખાને પોતાની વાત રજુ કરતા પંડિતોને હત્યારા ગણાવવાની કોશિશ કરી અને તેમના વિરૂદ્ઘ અપશબ્દો કહ્યાં. વીડિયોમાં એજાઝ ખાન કહે છે કે સાહિત પોતાના મિત્રો વચ્ચેનો ઝઘડો પતાવવાના ઈરાદે પંડિતોની ગલીમાં ગયો હતો. જયાં તેનું મોબ લિન્ચિંગ કરીને હત્યા કરી દેવાઈ.

શું છે ઘટનાનું સત્ય ?

જો કે મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલીસે ગત વર્ષે ૩૦ ઓગસ્ટના રોજ દ્યટેલા આ દ્યટનાની તપાસ બાદ તેમાં કોઈ પણ પ્રકારના સાંપ્રદાયિક એંગલની આશંકાથી ઈન્કાર કર્યો હતો. ઘટના અંગે એવી જાણકારી સામે આવી હતી કે બાઈકને રસ્તો આપવાના મુદ્દે સાહિતની બે લોકો સાથે હાથાપાઈ થઈ હતી. તેમાં તે દ્યાયલ થયો હતો. ત્યારબાદ હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું. આ કેસમાં બે લોકોની ધરપકડ થઈ હતી.

ભાજપના નેતા કપિલ મિશ્રાએ ટ્વીટ કરીને કહ્યું કે 'એજાઝ ખાન જે બોલ્યો છે ત્યારબાદ તેની માફી શકય નથી. લોકોમાં ભયાનક ગુસ્સો છે. તરત તેના વિરૂદ્ઘ ગંભીર કાયદાકીય કાર્યવાહી જ એકમાત્ર વિકલ્પ છે. આશા કરું છું કે રાજય સરકાર અને કાયદો વ્યવસ્થા સંભાળનારા તેની ગંભીરતાને જલદી સમજી લેશે.

(3:53 pm IST)