Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

પ્રાથમિક શાળાઓ સ્થિતિ સામાન્ય થયે ખુલશે

દિવાળી પછી પ્રથમ તબક્કે ધો.૯ થી ૧૨ માટે તથા બીજા તબક્કે ધો. ૬ થી ૮ માટે શાળા ખુલશે

 નવી દિલ્હી,તા.૨૩ : કોરોના મહામારીના કારણે લાંબા સમયથી સ્કૂલો બંધ છે. ત્યારે હવે રાજય સરકારે આખરે દિવાળી પછી ૨૩ નવેમ્બરથી સ્કૂલો ફરીથી ખોલવાનો નિર્ણય લઈ લીધો છે, તેમ શિક્ષણ વિભાગ સાથે જોડાયેલા ટોચના સૂત્રોનું કહેવું છે. જો કે, અહીં વાલીઓને વિકલ્પ આપવામાં આવશે કે, તેઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા માગે છે અથવા ઓનલાઈન કલાસિસ ચાલુ રાખવાની ઈચ્છા છે.

પ્રથમ તબક્કામાં સરકારનો નિર્ણય ધોરણ ૯-૧૨ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ફરી શરૂ કરવાનો છે. વરિષ્ઠ અધિકારીએ કહ્યું, સરકાર હાલ ફિઝિકલ અટેન્ડન્સ (પ્રત્યક્ષ હાજરી) પર ભાર નથી આપી રહી કારણકે વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય પ્રાથમિકતા છે. વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલવા અથવા ઓનલાઈન કલાસ ચાલુ રાખવા, આ બે વિકલ્પો વાલીઓને આપવામાં આવશે.

 ત્યારપછી સ્કૂલોને ધોરણ ૬-૮ના વિદ્યાર્થીઓને બોલાવવાની મંજૂરી આપવામાં આવશે.  પ્રાથમિક શાળાઓ તાત્કાલિક ધોરણે ખોલવાની કોઈ યોજના નથી. કોરોનાની સ્થિતિ એકદમ સામાન્ય થઈ જાય પછી જ પ્રાથમિક ધોરણોના વિદ્યાર્થીઓને સ્કૂલો બોલાવાશે, તેમ સરકાર સાથે જોડાયેલા સૂત્રએ જણાવ્યું.

 શાળા ખોલવાની ગતિવિધિ સાથે જોડાયેલા સૂત્રનું માનીએ તો, જે-તે દિવસે માત્ર ૫૦ ટકા વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવાશે.  શકયતા છે કે મોટાભાગના વાલીઓ પોતાના બાળકોને સ્કૂલો મોકલવાનો વિકલ્પ પસંદ કરે. આ સ્થિતિમાં જે-તે દિવસે માત્ર અડધા વિદ્યાર્થીઓને જ સ્કૂલે બોલાવવામાં આવશે, તેમ અધિકારીએ જણાવ્યું.

 રાજયના શિક્ષણ વિભાગ સાથે જોડાયેલા વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે, સ્કૂલોના સંચાલકો સાથે સલાહમસલત કરવા બેઠકનો એક રાઉન્ડ પૂરો થયો છે. ઙ્કલાગતાવળગતા તમામ લોકો સાથે હજી વધુ પરામર્શ કરવામાં આવશે, ત્યારબાદ જ અંતિમ નિર્ણય લેવાશે અને સ્કૂલો ફરી ખોલવા માટેની SOP બહાર પાડવામાં આવશે તેમ અધિકારીએ કહ્યું.

રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું,  સરકાર લાગતાવળગતા તમામ લોકો સાથે સ્કૂલો ફરી ખોલવા અંગે મંત્રણા કરી રહી છે. સ્કૂલો ફરી ખોલવી કે કેમ તેનો નિર્ણય આરોગ્ય વિભાગની સલાહ બાદ જ લેવામાં આવશે.

(11:37 am IST)