Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

હવે ટ્રેનમાં મુસાફરી કરવી બની શકે છે મોંધી

પાર્કિંગ અને પ્લેટફોર્મ ટિકિટ મોંઘી થશેઃ ભારતીય રેલવે પોલિસીને લગતા કેટલાક નિર્ણયો લેવા જઈ રહી છે

નવી દિલ્હી,તા. ૨૩: ટૂંક સમયમાં તમને ટ્રેનની મુસાફરી મોંઘી પડી શકે છે કેમ કે ભારતીય રેલવે પોલિસીને લગતા કેટલાક નિર્ણયો લઈ શકે છે જેનાથી ટ્રેનોનું ભાડુ વધી શકે છે. ખાનગી ટ્રેનોનું ઉદાહરણ લઈએ તો આ ટ્રેનોનું સંચાલન કરનારા લોકો વર્તમાન કન્સેસન વગર ભાડુ લેવા માટે મુકત છે. આવી ટ્રેનોમાં વધારે સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને તેથી ભાડામાં પણ વધારો થઈ શકે છે. આ ઉપરાંત પ્લેટફોર્મ ટિકિટ માટે વધારે રૂપિયા ચૂકવવા પડશે અને પાર્કિંગની સુવિધા જેવી અન્ય સુવિધાઓ માટે પણ વધારે રૂપિયા ચૂકવવા પડશે. હવે તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે ભારતી રેલવે તેના બેઝ ફેર કરતા ૩૦ ટકા વધારે ભાડુ લઈ રહી છે.

ભારતમાં રેલવેમાં મુસાફરીમાં ઘણી વધારે સબસિડી આપવામાં આવે છે. ભારતીય રેલવેને પ્રત્યેક પેસેન્જર પર નુકસાન સહન કરવું પડે છે. નવા કર, વધારે ભાડુ વગેરે ખાનગી ટ્રેનોની શરૂઆત, મોટા રેલવે સ્ટેશનોના વિકાસ અને ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોના ભાડામાંથી કન્સેસન દ્યટાડવાના કારણે ભારતીય રેલવેને ટૂંક સમયમાં નફો થઈ શકે છે. જોકે, ઉત્સવોની સિઝન દરમિયાન વધારવામાં આવેલા ભાડને લઈને વિરોધ પક્ષે સરકારની ટીકા કરી છે. કોંગ્રેસના પ્રવકતા ગૌરવ વલ્લભે ટ્વિટ કરી છે કે મોદી સરકારે સામાન્ય લોકોની ફેસ્ટિવ સ્પિરિટ પર તરાપ મારી છે. સરકારે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોના વધારેલા ભાડાને પાછુ ખેંચી લેવું જોઈએ. તેમણે કહ્યું છે કે ભાડામાં ૩૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. દાખલા તરીકે સ્લીપરનું ભાડુ ૫૧૦ રૂપિયા હતું જે વધીને ૬૫૦ રૂપિયા થઈ ગયું છે. આમ ૨૭ ટકાનો વધારો થયો છે.

ભારતીય રેલવેના પ્રવકતાએ જણાવ્યું હતું કે, ઉત્સવની સિઝન દરમિયાન પેસેન્જર ભાડામાં કરવામાં આવેલા વધારાના સમાચાર ગેરમાર્ગે દોરનારા છે. તેમણે જણાવ્યું હતું કે આવી ટ્રેનો ઉત્સવો અને ઉનાળાની રજાઓ દરમિયાન ચલાવવામાં આવે છે અને તેનું ભાડુ ખાસ હોય છે. સેકન્ડ કલાસના બેઝિક ફેરમાં ૧૦ ટકા અને અન્ય તમામ કલાસ બેઝિક પેરના ૩૦ ટકા નક્કી કરવામાં આવેલા છે. તેમણે ઉમેર્યું હતું કે, આ ખાસ ભાડુ હોવા છતાં ભારતીય રેલવેને પ્રત્યેક પેસેન્જર પર નાણાકિય બોજ સહન કરવો પડી રહ્યો છે.

ભારતીય રેલવેએ કેટલાક પસંદગીના રૂટ પર ખાનગી ટ્રેનો દોડાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને તે માટે આ ટ્રેનોની ઓપરેટર્સને ભાડુ નક્કી કરવાની આઝાદી આપવામાં આવી છે. ખાનગી ટ્રેનોને મંજૂરી આપવા પાછળનો હેતું રોકાણ અને ટેકનોલોજીના વિકાસને વધારવાનો છે. આ માટે રેલવેને વધારે રોકાણ કરવાનું રહેશે નહીં. ખાનગી ટ્રેન ઓપરેટરો ભારતીય રેલવે સાથે આવકની વહેંચણી કેટલી કરવાની રહેશે તેના આધારે કોન્ટ્રાકટ માંગશે અને તે પ્રમાણે રૂટની પસંદગી કરશે. જોકે, ભારતીય રેલવેએ કહ્યું છે કે આ રૂટ પર નિયમિત ટ્રેનો પણ ચાલું જ રહેશે અને પેસેન્જરો તેમની ઈચ્છા મુજબ ટ્રેન સર્વિસ અને ભાડુ પસંદ કરી શકશે. ખાનગી ટ્રેનો ૧૦૯ રૂટ પર જ શરૂ થશે.

મુલાકાતીઓ માટે પ્લેટફોર્મ ટિકિટ અને રેલવે સ્ટેશને વાહનો પાર્ક કરવું મોંદ્યુ બનશે. ભારતીય રેલવે દ્વારા પ્લેટફોર્મ ટિકિટનો દર નક્કી કરવામાં આવશે જયારે પાર્કિંગના ભાવ કન્સેસનર તરીકે નક્કી કરવામાં આવશે. રેલવે સ્ટેશનોના રિડેવલોપમેન્ટ સાથે જોડાયેલા એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, ફકત સિંગલ યુઝર ફી જ ભરવી પડશે. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, સ્ટેશનોની સુવિધાઓ મેળવવા માટે પ્રી-પેસેન્જર યુઝર ફી દ્યણી સામાન્ય રહેશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતમાં એક પેસેન્જરને વિદાય કરવા માટે ચાર વ્યકિતઓ રેલવે સ્ટેશને આવતા હોય છે. જેના કારણે સ્ટેશનો પર ભીડ અને અસુવિધાઓનો સામનો કરવો પડે છે. જયારે બીજી સમસ્યા પાર્કિંગની છે અને જગ્યાની ઉણપના કારણે પાર્કિંગ મોંદ્યુ બની રહ્યું છે. ભારતીય રેલવેની કુલ આવકમાં પ્લેટફોર્મ ટિકિટ દ્વારા થતી આવક ઘણી ઓછી છે.

(10:18 am IST)