Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

યુએનમાં ડ્રેગનને લપડાક : તાલિબાનના નેતાઓને યાત્રા કરવા સમય મર્યાદામાં વધારો કરવા માટે ચીનના પ્રસ્તાવને ફગાવાયો

તાલિબાની નેતાઓને યાત્રા કરવા માટે 90 દિવસની છૂટ કરવાના પ્રસ્તાવ પર સભ્યોએ કહ્યું- આટલી ઉતાવળ કરવાની જરૂર નથી

નવી દિલ્હી : સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનની સુરક્ષા પરિષદમાં તાલિબાનના નેતાઓને યાત્રા કરવા માટે અપાયેલી સમય મર્યાદામાં વધારો કરવા માટે ચીને પ્રસ્તાવ મુક્યો હતો.

ચીને કહ્યુ હતુ કે, તાલિબાની નેતાઓને યાત્રા કરવા માટે 90 દિવસની છૂટ અપાયેલી છે જે વધારીને 180 દિવસની કરવામાં આવે. જોકે આ પ્રસ્તાવનો સુરક્ષા પરિષદમાં સામેલ એક પણ દેશે સમર્થન નહીં કરતા ચીનનો ફજેતો થયો હતો.

સભ્ય દેશોનુ કહેવુ હતુ કે, તાલિબાનના નેતાઓને છૂટ આપવા માટે આટલી ઉતાવળ કરવાની જરૂર નથી. હાલમાં તેમની કામગીરી પર નરજ રાખવાની જરૂર છે.

તાલિબાને યુએનમાં સભ્યપદ માંગ્યુ છે અને એટલુ જ નહીં યુએનની સામાન્ય સભામાં ભાષણ કરવા માટે પણ મંજૂરી માંગી છે. તે જ સમયે ચીને તાલિબાનની તરફેણ કરવા માટે આ પ્રસ્તાવ મુક્યો છે. જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા કબ્જે કરી છે ત્યારથી ચીન ખુલ્લેઆમ તાલિબાનનુ સમર્થન કરી રહ્યુ છે.

વૈશ્વિક સ્તરે પાકિસ્તાનની સાથે સાથે ચીન અને રશિયા પણ પૂરજોશમાં તાલિબાનને માન્યતા અપાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. સાથે સાથે અફઘાનિસ્તાનની સાથે ચીન, પાક, ઈરાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનનુ એક ગ્રૂપ બનાવવા માટે પણ હિલચાલ શરૂ થઈ છે.

(8:52 pm IST)