Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

ફેક વેકસીન સર્ટીફીકેટ વેચનાર ૩૫ દિવસમાં ૧૦ ગણા વધ્યા : ૨૯ દેશોમાં ઝડપથી વધારો

કોરોના સંકટ વચ્ચે પણ કાળાબજારીયાઓ બેફામ : સોફટવેર કંપની ચેક પોઇન્ટનું અધ્યયન : ઓસ્ટ્રીયા,બ્રાઝીલ, લાતવીયા, લીથુઆનીયા, માલ્ટા, પોર્ટુગલ, સિંગાપુર, થાઇલેન્ડ અને યુએઇ ટોચમાં સામેલ : ટેલીગ્રામમાં આવા ગ્રુપોનો રાફડો : પહેલા નકલી સર્ટીફીકેટ ૮૫ ડોલર (૬૨૭૨ રૂ.)માં મળતા હાલનો ભાવ ૨૦૦ ડોલર (૧૪,૭૫૯ રૂ.)

નવી દિલ્હી,તા. ૨૩: કોરોના વાયરસ મહામારી વિરૂધ્ધ વેકસીન સૌથી મોટુ હથીયાર છે અને વિશ્વના દેશો પોતાના નાગરીકોને રસી લેવા માટે આગ્રહ કરી રહ્યા છે. ઘણા દેશ હવે વેકસીન સર્ટીફીકેટ લઇને આવ્યા છે. જેથી જાણી શકાય કે કોણે વેકસીન લીધુ છે અને કોણ બાકી છે. જો કે આ વ્યવસ્થામાં  ફેક વેકસીન સર્ટીફીકેટની સમસ્યા પણ વધી રહી છે.

કોરોના વેકસીન સર્ટીફીકેટની પણ કાળાબજારી થઇ રહી છે અને જેમ જેમ દેશો સર્ટીફીકેટ લાવી રહ્યા છે. તેમ તેમ નકલી સર્ટીફીકેટનું બજાર પણ મોટુ થઇ રહ્યુ છે. છેલ્લા કેટલાક મહિનામાં ફેક સર્ટીફીકેટનું બજાર અધધ ૧૦ ગણુ વધ્યું છે.

એક વેબસાઇટના રીપોર્ટ મુજબ સોફટવેર કંપની ચેક પોઇન્ટે નકલી વેકસીન સર્ટીફીકેટના કાળા બજારનું નિરીક્ષણ કરવા માટે અધ્યયન કરેલ. આ અધ્યયનમાંથી જાણવા મળેલ કે દુનિયાના ૨૯ દેશોમાં આ ષડયંત્ર ઝડપથી વધી રહ્યું છે. જેમાં ૯ મુખ્ય દેશોનો પણ સમાવેશ થાય છે. જેમાં ઓસ્ટ્રીયા, બ્રાઝીલ, લાતવીયા,લીથુઆનીયા, માલ્ટા, પોર્ટુગલ, સિંગાપુર, થાઇલેન્ડ અને યુએઇ છે.

ચેક પોઇન્ટના વિશેષજ્ઞોએ દાવો કરેલ કે મેસેજીંગ એપ ટેલીગ્રામ  ઉપર ૧૦ ઓગષ્ટે નકલી કોરોના વેકસીન સર્ટીફીકેટના લગભગ ૧ હજાર વેન્ડર (વેચાણકર્તા) હતા. જો કે હાલ આ સંખ્યા ૧૦ હજારથી વધુ છે, જે ૧૦ ગણો વધારો છે. ઉપરાંત ટેલીગ્રામના ગ્રુપમાં પણ સભ્યોની સંખ્યામાં પણ વધારો થયો છે. જે છેલ્લા થોડા જ સમયમાં ૩૦ હજારથી વધીને ૩ લાખ થઇ ગઇ છે.

પહેલા આ ફેક સર્ટીફીકેટ ટેલીગ્રામ ઉપર ૮૫ ડોલર (૬૨૭૨ રૂ.)માં ઉપલબ્ધ હતા. પણ અમેરિકી રાષ્ટ્રપતિ બીડને વેકસીન જનાદેશની જાહેરાત કરતા રજીર્સ્ટડ સીડીસી વેકસીન સર્ટીફીકેટની કિંમત હવે વધીને ૨૦૦ અમેરિકી ડોલર એટલે લગભગ ૧૪,૭૫૯ રૂપિયા જેટલી થઇ ગઇ છેે.

(2:59 pm IST)