Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

પંકજ અડવાણીએ દુબઈમાં સિકસ રેડ સ્નુકર વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો : બિલિયર્ડ સ્નૂકરમાં ૨૪મું વર્લ્ડ ટાઈટલ જીત્યું

પાકિસ્તાનના ખેલાડીને પછાડી ઇનામ જીત્યું: દુબઈમાં જ એશિયન સ્નૂકર ચેમ્પિયનશિપ જીતી, બે સપ્તાહમાં બે ટાઈટલ હાંસલ કર્યા

 નવી દિલ્હીઃ ભારતના લેજન્ડરી ક્યુઈસ્ટ પંકજ અડવાણીએ દુબઈમાં સિકસ રેડ સ્નૂકર વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. અડવાણીએ આ સાથે બિલિયર્ડ્સ-સ્નૂકરમાં કારકિર્દીનું ૨૪મું વર્લ્ડ ટાઈટલ જીતીને નવી ઊંચાઈ હાંસલ કરી હતી. તેણે ગત સપ્તાહે દુબઈમાં જ એશિયન સ્નૂકર ચેમ્પિયનશિપ જીતી હતી. આમ તેણે બે સપ્તાહમાં બે ટાઈટલ હાંસલ કર્યા હતા.

દુબઈમાં રમાયેલી સિકસ રેડ બોલ સ્નૂકર વર્લ્ડ કપની ફાઈનલમાં પંકજનો મુકાબલો પાકિસ્તાનના બાબર માસિહ સામે થયો હતો. જેમાં તેણે જીત હાંસલ કરતાં ૮.૮૫ લાખ ડોલરની ઈનામી રકમ પણ જીતી લીધી હતી. બાબરે જોરદાર લડત આપી હતી. જોકે પંકજે આખરે તેના માસ્ટર સ્ટ્રોકને સહારે જીત હાંસલ કરી હતી.

ચેમ્પિયન બન્યા બાદ તેણે કહ્યું કે, બે સપ્તાહમાં બે મેજર ટાઈટલ જીતવાની સિદ્ધિ મેળવ્યા બાદ હું જાણે સ્વપ્નમાં જીવી રહ્યો હોઉં તેમ અનુભવું છું. મારા આ ટાઈટલ એ વાત સાબિત કરે છે કે, કોરોનાના બ્રેકમાં મારી રમતને જરા પણ અસર થઈ નથી.

(12:57 pm IST)