Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

ભારતીય મીડિયા કંપનીઓ - પોલિસ પર ડ્રેગન કરી રહ્યું છે સાઇબર હુમલાઓ

ગયા વર્ષની સરખામણીએ ૨૬૧ ટકા વધ્યા ચીની એટેક

નવી દિલ્હી તા. ૨૩ : યુએસ સ્થિત એક ખાનગી સાયબર સિકયુરિટી કંપનીએ દાવો કર્યો હતો કે ભારતીય મીડિયા ગ્રુપ તેમજ પોલીસ વિભાગ અને રાષ્ટ્રીય ઓળખ ડેટા માટે જવાબદાર એજન્સીની સામગ્રી રાજય પ્રાયોજિત ચીની સંગઠન દ્વારા હેક કરવામાં આવી હતી. મેસેચ્યુસેટ્સ સ્થિત રેકોર્ડ્ડ ફયુચર ઇન્સેકટ ગ્રુપે જણાવ્યું હતું કે હેકિંગ ગ્રુપ, જેનું નામ TAG-28 છે, વિન્ટી માલવેરનો ઉપયોગ કરે છે. આ માલવેર ખાસ કરીને ઘણા રાજય સંચાલિત ચાઇનીઝ પ્રવૃત્તિ જૂથો વચ્ચે વહેંચાયેલું છે. આ આરોપથી બે પ્રાદેશિક દિગ્ગજો વચ્ચે ઝઘડો વધવાની ધારણા છે. સરહદ વિવાદને લઈને બંને વચ્ચેના સંબંધો પહેલાથી જ ગંભીર રીતે વણસેલા છે.

ઈન્સેકટ ગ્રુપે તેના રિપોર્ટમાં કહ્યું છે કે સાઈબર હુમલાઓ સરહદી તણાવ સાથે સંબંધિત હોઈ શકે છે. સંસ્થાએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ઓગસ્ટ ૨૦૨૧ની શરૂઆતમાં, રેકોર્ડ કરેલા ડેટા દર્શાવે છે કે ૨૦૨૦ની સરખામણીમાં ૨૦૨૧માં ભારતીય સંગઠનો અને કંપનીઓને લક્ષ્ય બનાવતી શંકાસ્પદ રાજય સંચાલિત ચીની સાયબર પ્રવૃત્તિઓની સંખ્યામાં ૨૬૧ ટકાનો વધારો થયો છે.

આ અહેવાલમાં ફેબ્રુઆરી અને ઓગસ્ટની વચ્ચે બે વિન્ટી સર્વર સાથે ભારતીય મીડિયા કંપનીને સોંપવામાં આવેલા ચાર ‘IP’ સરનામાંઓ પણ શોધી કાઢવામાં આવ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું હતું કે ખાનગી માલિકીની મુંબઈ સ્થિત કંપનીના નેટવર્કમાંથી આશરે ૫૦૦ મેગાબાઇટ ડેટા ડાઉનલોડ કરવામાં આવ્યો હતો.

(11:37 am IST)