Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

અમેરિકામાં આજે ૫ દિગ્ગજ કંપનીઓના CEO સાથે બેઠક કરશે

કમલા હેરિસ સાથે કરશે મુલાકાત : કારોબારી સંભાવનાઓ પર થશે વાતચીત

વોશિંગ્ટન તા. ૨૩ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસની મુલાકાતે અમેરિકા પહોંચ્યા છે. આ દરમિયાન, પ્રધાનમંત્રી ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે તેમજ યુએસ પ્રમુખ જો બિડેન સહિત અન્ય વિશ્વ નેતાઓ સાથે વાતચીત કરશે અને સંયુકત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ) ને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી ભારતીય સમય મુજબ સવારે ૩.૩૦ વાગ્યે વોશિંગ્ટન પહોંચ્યા. પોતાની અમેરિકાની મુલાકાતના પહેલા દિવસે પીએમ મોદી ઓસ્ટ્રેલિયન સમકક્ષ સ્કોટ મોરિસન, યુએસ વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસ અને મોટી કંપનીઓના વડાઓ સાથે બેઠક કરશે. જેમાં ભારતમાં ઘણું રોકાણ કરવાની ક્ષમતા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી પોતાના દિવસની શરૂઆત અમેરિકાની દિગ્ગજ કંપનીઓના વડાઓ સાથે બેઠકથી કરશે. CEOમાં કવાલકોમ, એડોબ, બ્લેકસ્ટોન, જનરલ એટોમિકસ અને ફર્સ્ટ સોલરનો સમાવેશ થશે. આ બેઠક ભારતીય સમય અનુસાર સાંજે ૭.૧૦ કલાકે યોજાશે.

આ પછી, વડાપ્રધાન મોદી ૧૧ વાગ્યે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનને મળવાના છે. અધિકારીએ કહ્યું કે વડાપ્રધાન મોદી વિવિધ મુદ્દાઓ પર પ્રધાનમંત્રી મેરિસનને મળવા આતુર છે. બંને નેતાઓ વિવિધ પ્રસંગોએ વિવિધ આંતરરાષ્ટ્રીય પરિષદો દરમિયાન મળ્યા છે. વડા પ્રધાન મેરીસને તાજેતરમાં વડા પ્રધાન મોદીને ફોન કરીને ચીન સાથે સ્પર્ધા કરવા માટે રચાયેલા એયુકેયુએસ જોડાણ વિશે માહિતી આપી હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન ૨૪ સપ્ટેમ્બરે વ્હાઈટ હાઉસમાં પીએમ મોદીનું યજમાન બનશે. ૨૦ જાન્યુઆરીએ બિડેને અમેરિકી રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું ત્યારથી બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ વ્યકિતગત મુલાકાત થવા જઈ રહી છે. ત્યારબાદ  ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળશે. આ દરમિયાન, બંને પક્ષોના હિતો સાથે જોડાયેલા ઘણા મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે.

(11:36 am IST)