Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

અમેરિકન સેના દ્વારા કંદહાર સહિત અફઘાનિસ્‍તાનના કેટલાક ભાગોમાં અફઘાન દળોના સમર્થનમાં તાલિબાન વિરૂદ્ધ હવાઇ હૂમલા

અફઘાન સેના પાસેથી તાલિબાને છીનવી લીધેલ ઉપકરણ અને વાહનો નષ્‍ટ કરાયા

કાબુલ: અમેરિકન સેનાએ કંદહાર સહિત અફઘાનિસ્તાનના કેટલાક ભાગમાં અફઘાન દળોના સમર્થનમાં તાલિબાન વિરૂદ્ધ હવાઇ હુમલા કર્યા છે.

પેંટાગનના પ્રવક્તા જોન કિર્બીએ હુમલાની પૃષ્ટી કરી છે, તેમણે પત્રકારો સાથે વાતચીતમાં એમ નથી જણાવ્યુ કે હુમલા ક્યા થયા અથવા કઇ રીતના વિમાન હતા, તેમણે કહ્યુ, છેલ્લા કેટલાક દિવસમાં અમે અફઘાન રાષ્ટ્રીય સંરક્ષણ અને સુરક્ષા દળોના સમર્થનમાં હવાઇ હુમલા કર્યા છે પરંતુ હું આ હુમલા પર વધુ ટેકનિકલ જાણકારી આપી શકતો નથી.

એક અન્ય અમેરિકન સંરક્ષણ અધિકારીએ કિર્બીની ટિપ્પણી બાદ એસોસિએટેડ પ્રેસને જણાવ્યુ કે સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાએ બુધવાર અને ગુરૂવારે અફઘાન દળોના સમર્થનમાં ચારથી વધુ હવાઇ હુમલા કર્યા હતા.

અધિકારીએ કહ્યુ કે આ હવાઇ હુમલામાં તે ઉપકરણ અને વાહન નષ્ટ કરવામાં આવ્યા જે તાલિબાને અફઘાન સેના પાસેથી છીનવી લીધા હતા.

તાલિબાને ટિકા કરી

તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લા મુજાહિદે હુમલાની ટિકા કરતા કહ્યુ કે તેમાં કોઇ પણ ઘાયલ થયો નથી. તાલિબાનના પ્રવક્તાએ કહ્યુ, અમે સંયુક્ત રાજ્ય અમેરિકાની કાર્યવાહીને દોહા સમજૂતિનું ઉલ્લંઘન માનીએ છીએ. અમે ચુપ નહી રહીએ અને પરિણામ માટે અમેરિકા જવાબદાર હશે. પેંટાગનના એક પ્રવક્તાએ કહ્યુ કે અમેરિકન સૈનિકોની વાપસી બાદ પણ અમેરિકા અફઘાન સેનાને મદદ આપતુ રહેશે.

ઝડપથી આગળ વધી રહ્યુ છે તાલિબાન

અમેરિકન સૈનિકોના અફઘાનિસ્તાન છોડવાનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે, તાલિબાન અફઘાનિસ્તાનના મોટા ભાગ પર નિયંત્રણ કરતુ જઇ રહ્યુ છે.

કેટલાક વિસ્તારમાં તાલિબાને કોઇ ખાસ વિરોધ વગર કબજો કરી લીધો છે. અફઘાનિસ્તાનના સૈન્ય દળોએ પ્રાંતિય પાટનગર અને કાબુલને સુરક્ષિત કરી લીધો છે. કંદહાર અને કેટલાક બીજા શહેરોમાં યુદ્ધ ચાલી રહ્યુ છે. બીજી તરફ તાલિબાન અફઘાનિસ્તાન સરકાર સાથે દોહામાં શાંતિ વાર્તા પણ કરી રહ્યુ છે. અફઘાનિસ્તાનમાં આગળ શું થશે તે શાંતિ વાર્તા પર નિર્ભર કરશે. વિશ્લેષકોનું માનવુ છે કે જો સમજૂતિ ના થઇ તો અફઘાનિસ્તાન ફરી લાંબા ગૃહયુદ્ધમાં ઘેરાઇ શકે છે.

(5:23 pm IST)