Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

અમિતભાઇના નામે મંત્રી-એમએલસી બનાવનાર ફ્રોડ ગેંગનો પર્દાફાશઃ ૪ની ધરપકડ

લખનૌ તા. ર૩: લખનૌ પોલીસે એક ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે ગૃહમંત્રી અમિતભાઇના નામે મંત્રી, વિધાન પરિષદ સભ્ય બનાવવા અને વિધાનસભા ટીકીટ અપાવવાની લાલચ આપી ગેરકાયદે વસુલી કરતી હતી.

પોલીસે ગેંગના ૪ લોકોને પણ પકડાયા છે. જેમાં ઉતરાખંડના શમીમ અહેમદ, હસનૈન અલી, બલીયા જીલ્લાના હિમાંશુસિંહ અને બરેલી જીલ્લાના આલમની ધરપકડ કરી છે. જયારે બે આરોપીઓ શાહિદ અને બબલુ ફરાર છે. પકડાયેલ બધા આરોપીઓ ર૦ થી ૩પ વર્ષના છે. તમામ વિરૂધ્ધ હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી, ષડયંત્ર અને આઇટી એકટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.

આરોપીઓએ પુછપરછ દરમિયાન જણાવેલ કે તેઓ નાના નેતાઓને મોટા નેતા અને તેમના ખાનગી સચીવ બનીને મોબાઇલ કે વોટ્સઅપ ઉપર વાતચિત કરી વિશ્વાસ અપાવતા અને મંત્રી કે એમએલસી બનાવવાની લાલચ આપતા. તેઓ ત્યારબાદ ટોકનની રકમ લઇને ફરાર થતા. આરોપીઓ દ્વારા રીટાસિંહ પાસેથી ગૃહમંત્રી અમિતભાઇ અને તેમના સચિવના નામે ૧ કરોડનું ટોકન વિધાન પરિષદ સભ્ય બનાવવા અને યુપી સરકારમાં મંત્રી બનાવવાની લાલચ આપી લેવાની કોશીશ કરતા હતા.

(4:19 pm IST)