Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

મહિલાએ લાલચમાં આવીને આવું કૃત્ય ન કરવું જોઈએ

બળાત્કારના એક કેસ મુદ્દે સાંસદનું વિવાદિત નિવેદનઃપ્રજ્ઞા સિંહે દુષ્કર્મ કેસમાં ફસાયેલા અધિકારીના કૃત્યને ખોટું ગણાવવા સાથે જ પીડિતા સામે સવાલ કરતા વિવાદ

પોતાના નિવેદનો દ્વારા સતત ચર્ચામાં રહેતા ભોપાલના લોકસભા સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહે બળાત્કારના એક કેસ મુદ્દે વિવાદિત નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે દુષ્કર્મ કેસમાં ફસાયેલા રેલવે અધિકારીના કૃત્યને ખોટું ગણાવવાની સાથે જ પીડિતા સામે પણ સવાલ કર્યા હતા.  ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ એક મહિલા રેલકર્મીએ રેલવેના એડીઆરએમ ગૌરવ સિંહ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. મહિલાનો આરોપ હતો કે, એડીઆરએમએ રેલવેમાં અનુકંપા નિયુક્તિ અપાવવાના નામ પર તેના સાથે સંબંધ બાંધ્યા હતા. નોકરી અપાવ્યા બાદ પણ તે સતત દુષ્કર્મ કરતો રહ્યો હતો.

ગત ૨૧ મેના રોજ ઓલ ઈન્ડિયા ટ્રેન કંટ્રોલર અસોસિએશનના કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેલા સાધ્વી પ્રજ્ઞા સિંહે સ્ટેજ પરથી જ ડીઆરએમ પાસે એડીઆરએમના ગુના અંગેની વિગતો માગી હતી. તેમણે કાર્યસ્થળે આ પ્રકારની પ્રતાડના થતી હોય તેને અયોગ્ય ગણાવ્યું હતું. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, મહિલાએ લાલચમાં આવીને આ નહોતું કરવું જોઈતું.

સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે કહ્યું હતું કે, ગૌરવ સિંહે લાલચ આપીને પોતાની સહકર્મીનું શોષણ કર્યું પરંતુ ક્યાંકને ક્યાંક તે મહિલાની પણ ભૂલ છે. તમે ૧-૧.૫ વર્ષ બાદ ફરિયાદ કરી રહ્યા છો. મને લાગે છે કે, આ ખોટું છે. કોઈને પુરૃષ હોવાનો દંડ ન મળવો જોઈએ. જોકે મેં જાણકારી મેળવી છે કે, લગ્ન બાદ પણ એડીઆરએમ મહિલાને પ્રતાડિત કરતો હતો. મહિલાએ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો ત્યાર બાદ આ કેસનો ખુલાસો થયો.

સાધ્વી પ્રજ્ઞાએ જણાવ્યું કે, 'હું એક વાત કહીશ કે, મહિલાઓને મોદીજીના શાસનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો હું ભોપાલમાં છું, મધ્ય પ્રદેશમાં ભાજપની સરકાર છે. આવા કેસમાં આકરા નિર્ણય લેવામાં આવ્યા છે.'

વધુમાં જણાવ્યું કે, આમાં મહિલાની પણ ભૂલ છે. અનુકંપા નિયુક્તિ તમારો અધિકાર હતો. તમે ડ્ઢઇસ્ પાસે જઈ શકેત, તમે અધિકારીઓ પાસે જઈ શકેત, જનપ્રતિનિધિઓ પાસે જઈ શકેત કે મને ડિપાર્ટમેન્ટમાંથી આ પ્રકારની લાલચ આપવામાં આવી રહી છે. સાંસદે જણાવ્યું કે, આપણે જે સંસ્થામાં કામ કરીએ છીએ તે આપણી માતા સમાન છે. જ્યારે આપણે સ્નેહ સાથે આપણી સંસ્થા માટે કામ કરીએ છીએ તો આપણને પણ તેનો એટલો જ સ્નેહ પ્રાપ્ત થાય છે. તેવામાં માતા બદનામ ન થાય તે વાતનું ધ્યાન રાખવું જોઈએ.

 

(8:48 pm IST)