Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

ટ્રકે પલટી મારતા ૯ લોકોનાં ઘટના સ્‍થળે જ મોત

બિહારના પૂર્ણિયામાં ગંભીર રોડ અકસ્‍માત

પટણા, તા.૨૩: બિહારના પૂર્ણિયા જિલ્લામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં ૧૬ મજૂરોને જમ્‍મુ-કાશ્‍મીર લઈ જતી ટ્રક પલટી જતા અકસ્‍માતમાં નવ લોકોના ઘટનાસ્‍થળે જ મોત નિપજ્‍યાં છે. અન્‍ય કેટલાંક લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ ઘાયલોમાંથી બે લોકોની હાલત અત્‍યંત ગંભીર છે. એવું કહેવાઇ રહ્યું છે કે, ટ્રક સિલીગુડીથી જમ્‍મુ-કાશ્‍મીર જઈ રહી હતી. જો કે આ ઘટનાની જાણ થતા જ તુરંત પોલીસે ઘટનાસ્‍થળે પહોંચીને રાહત કાર્ય અભિયાન હાથ ધર્યું હતું.
પોલીસ અધિકારીઓએ જણાવ્‍યું કે, ઘટનાસ્‍થળેથી મળતદેહોને બહાર કાઢવામાં આવી રહ્યાં છે અને પોસ્‍ટમોર્ટમ અર્થે મોકલવામાં આવી રહ્યાં છે. ઘાયલોને તાત્‍કાલિક સારવાર માટે હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા છે. હાલમાં અકસ્‍માતનું કારણ જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.અધિકારીઓએ જણાવ્‍યું કે, ટ્રક બોરિંગના સામાનથી ભરેલો હતો. જેમાં લોખંડની પાઈપો હતી. ટ્રક બેકાબુ થઈને પલટી ગઈ હતી જેના કારણે મજૂરો આ પાઈપો નીચે દટાઈ ગયા અને તેઓનું મોત નિપજ્‍યું.
સ્‍થાનિક લોકોના જણાવ્‍યા અનુસાર, ટ્રકની ઝડપ ખૂબ જ ઝડપી હતી. એવું અનુમાન લગાવાઇ રહ્યું છે કે, ટ્રક ચાલક વહેલી સવારે ઊંઘી ગયો હશે, જેના કારણે તેણે ટ્રક પરનું સંતુલન ગુમાવી દીધું અને તેઓ આ અકસ્‍માતનો ભોગ બન્‍યાં. તમને જણાવી દઇએ કે, આ ઘટનાસ્‍થળના ફોટા ખૂબ જ દર્દનાક છે. નોંધનીય છે કે, તમામ મજૂરો રાજસ્‍થાનના ઉદયપુરના ખૈરવાડાના રહેવાસી હતા.

 

(12:07 pm IST)