Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

મુકેશ અંબાણીએ બ્રિટનનો ગોલ્ફ રિસોર્ટ ખરીદી લીધો

ભારતના ઉદ્યોગપતિનો હોટલ સેક્ટરમાં પગપેસરો : આ ગોલ્ફ રિસોર્ટ માત્ર બ્રિટન જ નહીં પણ સમગ્ર યુરોપના સૌથી પોશ રિસોર્ટ તરીકે જાણીતો, ૬૦૦ કરોડમાં ખરીદ્યો

નવી દિલ્હી, તા. ૨૩ : ભારતના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી હવે હોટલ સેક્ટરમાં પણ પગપેસારો કરી રહ્યા હોય તેમ લાગે છે.

તેમણે બ્રિટનમાં આવેલા ગોલ્ફ રિસોર્ટ અને કંટ્રી ક્લબ સ્ટોક પાર્કને લગભગ ૬૦૦ કરોડ રુપિયામાં ખરીદી લીધો હોવાના અહેવાલો મળ્યા છે. આ ગોલ્ફ રિસોર્ટ માત્ર બ્રિટન જ નહીં પણ સમગ્ર યુરોપના સૌથી પોશ રિસોર્ટ તરીકે જાણીતો છે. સ્ટોક પાર્ક રિસોર્ટમાં હોલીવૂડની સંખ્યાબંધ ફિલ્મોના પણ શૂટિંગ થયા છે. આ રિસોર્ટ ૩૦૦ એકરમાં ફેલાયેલો છે અને અહીંયા રહેવા માટે ૪૯ રુમો છે.

ફાઈવ સ્ટાર રિસોર્ટમાં એક એક થી ચઢિયાતી સુવિધાઓ છે. આ પહેલા રિસોર્ટની માલિકી કિંગ પરિવાર પાસે હતી.જે રિસોર્ટને વેચવા માટે છેલ્લા કેટલાક સમયથી કોઈ કંપનીને શોધી રહ્યા હતા. આ ડીલ સાથે જ હવે મુકેશ અંબાણીએ હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીઝમાં પણ ઝુકાવવાનુ નક્કી કર્યુ છે તેવી ચર્ચા શરુ થઈ છે.

અગાઉ તેમણે ૨૦૧૯માં પણ બ્રિટનમાં એક ડીલ કરી હતી. જેમાં તેમણે બ્રિટનની ૨૬૦ વર્ષ જુની ટોય સ્ટોર ચેન હેમ્લિઝને ખરીદી લીધી હતી. એ પછી બ્રિટનમાં તેમની આ બીજી મોટી ડીલ છે.

(11:21 pm IST)