Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

કોરોનાનો કપરોકાળ

મહામારીના સંકટમાં ફરી મળી શકે છે મોરેટોરિયમનો લાભ : RBI લેશે નિર્ણય?

નવી દિલ્હી તા. ૨૩ : કોરોનાના વધી રહેલ સંક્રમણ વચ્ચે ફરીથી એકવાર લોન મોરેટોરીયમની જરૂરીયાત બાબતે અવાજ ઉઠવા લાગ્યા છે. બેંકીંગ ક્ષેત્રના જાણકારોનું પણ માનવું છે કે વર્તમાન પરિસ્થિતિને જોતા રિઝર્વ બેંકે ફરી એકવાર મોરેટોરીયમ અથવા એના જેવું અન્ય રાહતનું પગલું લેવું જોઇએ.

જાહેર ક્ષેત્રની આઇડીબીઆઇ બેંકના ડેપ્યુટી મેનેજીંગ ડાયરેકટર સુરેશ ખટન હારનું કહેવું છે કે રાજ્યોએ ફરી એકવાર લોકડાઉન લગાવવાનું શરૂ કરી દીધું છે. એટલે લોન ધારકોને મોરેટોરીયમ જેવી કોઇ રાહતની જરૂર આવી પડી છે. રિઝર્વ બેંકે આ બાબતે તાત્કાલિક કોઇ નિર્ણય લેવો પડશે.

બીજી બાજુ, હાલ તો મહામારીમાંથી કોઇ રાહત મળે તેવું લાગતું નથી. પરિસ્થિતિ વધુ બગડતી જોઇને દિલ્હી, મહારાષ્ટ્ર અને કર્ણાટકે લોકડાઉન લગાવવાનું શરૂ કરી દીધું છે, જ્યારે કેટલાય રાજ્યોમાં નાઇટ કર્ફયુ છે. આ પ્રતિબંધોની અસર ધંધા પર પણ દેખાવાનું શરૂ થઇ ગયું છે. લોકો અને ઉદ્યોગજગતની આવક પર અસર થતા લોન ચૂકવવાનું અઘરૂ થઇ જશે. બેડ લોન જેવી સમસ્યાઓથી બચવા મોરેટોરીયમ જેવી રાહતની ચોક્કસપણે જરૂર પડશે.

(11:25 am IST)