Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

IIM-ઇન્‍દોરના વિદ્યાર્થીને રૂા. ૧.૧૪ કરોડનું જંગી પે પેકેજ

ફાઇનલ પ્‍લેસમેન્‍ટમાં ઓફર થયેલું સૌથી ઉંચુ પેકેજ :૫૬૮ વિદ્યાર્થીઓને સરેરાશ રૂા. ૩૦.૨૧ લાખ પગાર ઓફર કરાયો

નવી દિલ્‍હી,તા. ૨૩ : ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટિટયુ ઓફ મેનેજમેન્‍ટ ઇન્‍દોરના એક વિદ્યાર્થીને ડોમેસ્‍ટિક નોકરી માટે રૂા. ૧.૧૪ કરોડનું જંગી વાર્ષિક પગાર પેકેજ ઓફર કરવામાં આવ્‍યું છે. ઇન્‍સ્‍ટિટયુટના આ સેશનના ફાઇનલ પ્‍લેસમેન્‍ટ દરમિયાન ઓફર થયેલુ આ સૌથી ઉંચુ વેતન પેકેજ છે. આ પેકેજ અગાઉના સેશનની વેતન ઓફર કરતા રૂા. ૬૫ લાખ વધુ છે. એમ IIM-Iના અધિકારીએ જણાવ્‍યું હતું.

અગાઉના સેશનમાં IIM-I વિદ્યાર્થીઓના પ્‍લેસમેન્‍ટ દરમિયાન ઓફર કરવામાં આવેલો સૌથી વધુ પગાર રૂા. ૪૯ લાખ હતો. આ સેશનના અંતિમ પ્‍લેસમેન્‍ટ દરમિયાન ૧૬૦ થી વધુ ભારતીય અને વિદેશી કંપનીઓએ IIM-I ના ૫૬૮ વિદ્યાર્થીઓને સરેરાશ રૂા. ૩૦.૨૧ લાખ પગાર ઓફર કર્યો હતો.

પેકેજ ઓફર કરવામાં આવ્‍યા છે, તેવા વિદ્યાર્થીઓમાં બે વર્ષના પોસ્‍ટ ગ્રેજ્‍યુએટ પ્રોગ્રામ અને પાંચ વર્ષના ઇન્‍ટિગ્રેટેડ પ્રોગ્રામ ઇન મેનેજમેન્‍ટના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. બંને અભ્‍યાસક્રમોને એમબીએની સમકક્ષ ગણવામાં આવે છે.

IIM-Iના ડાયરેકટર પ્રોફેસર હિમાંશુ રાયે જણાવ્‍યું હતું કે અમે વિદ્યાર્થીઓને વિશ્વ કક્ષાનું મેનેજમેન્‍ટ એજ્‍યુકેશન આપીને ઉદ્યોગ સાથેના અમારા સંબંધોને મજબૂત કરવા હંમેશા તત્‍પર રહીએ છીએ. પડકારજનક સમય હોવા છતા અમારા વિદ્યાર્થીઓએ મેળવેલા ઉત્‍કૃષ્‍ટ પેકેજઆનો પુરાવો છે.

IIM-I અનુસાર અનુસાર અંતિમ પ્‍લેસમેન્‍ટ દરમિયાન સૌથી વધુ સંખ્‍યામાં જોબ ઓફર્સ (૨૯ ટકા) કન્‍સલ્‍ટન્‍સીના ક્ષેત્રમાંથી આવી હતી. જનરલ મેનેજમેન્‍ટ અને ઓપરેશન્‍સ ક્ષેત્રમાંથી ૧૯ ટકા, ફાઇનાન્‍સ અને માર્કેટિંગ પ્રત્‍યેકમાંથી ૧૮ ટકા અને ઇન્‍ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રમાં ૧૬ ટકા જોબ ઓફર મળી હતી.

(10:32 am IST)