Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

એક દૂજે કે લીયે એક ઘરમાં એક સાથે બે અર્થી ઉઠી

હાર્ટ એટેકથી પતિનું થયું મોતઃ આઘાત સહન ન થતાં પત્નિએ પણ છોડયો જીવ

લખનૌ, તા.૨૩: લગ્ન એ સાત જન્મોનું બંધન છે અને સાથે જીવવા અને મરવાના સોગંધ ખાવામાં આવે છે. સાથે તો બધા લોકો જીવે છે પરંતુ જો કોઈ બીજા સાથીના દુઃખમાં આઘાત પામે અને મોત થાય તો તે ખૂબ જ હૃદયસ્પર્શી બની જાય છે. આવો જ કિસ્સો યુપીના બાગપતનાં ફરખપુર ગામથી સામે આવ્યો છે, જયાં પતિ-પત્નીએ સાથે મળીને દુનિયાને અલવિદા કહી દીધી છે.

જયવીર નામના ૫૨ વર્ષીય વ્યકિતનું ગામમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. પરિવારના મોભીનું અચાનક અવસાન થતા ઘરનું વાતાવરણ ખુબજ ગમગીન બની ગયું. જયવીરના મૃત્યુને કારણે તેમની ૫૦ વર્ષીય પત્ની નરેશને ખુબજ આદ્યાત લાગ્યો હતો. પતિના મોતનો આદ્યાત એટલો લાગ્યો કે પત્નીએ પણ થોડી જ વારમાં જીવ છોડી દીધો.

એક મકાનમાં એક સાથે બે લોકોના મોતથી અંધાધૂંધી સર્જાઇ હતી. જેણે પણ આ ઘટનાની વાત સાંભળી તેઓ હતપ્રત રહી ગયા. પરિવારે એક સાથે બંનેના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ દ્યટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ થઈ ગયો છે.

ગ્રામજનોનું કહેવું છે કે જયવીર અને તેમની પત્ની વચ્ચે ખુબ જ પ્રેમ હતો. તેઓ ગામના લોકો સાથે પણ હળી મળીને રહેતા હતા. પતિ-પત્નીના મોતના સમાચાર આખા ગામમાં ચર્ચાઈ રહ્યા છે. ઘણા લોકોને તો આ ઘટના પર વિશ્વાસ થતો નથી.

(10:14 am IST)