Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

અમદાવાદમાં પદ્માવતને લઇને મોડી સાંજે થયેલ ભારે તોડફોડ

અમદાવાદ ભડકે બળતા સ્થિતિ વણસીઃ વસ્ત્રાપુર, એસજી હાઈવે, ગુરુકુળ સહિતના વિસ્તારોમાં હિંસક દેખાવો : થિયેટરો પર તોડફોડ અને આગની ઘટના

અમદાવાદ,તા. ૨૩, પદ્માવત ફિલ્મ રજૂ થશે કે કેમ તેને લઇને સંકટના વાદળો હજુ પણ ઘેરાયેલા છે. આજે અમદાવાદ શહેરમાં મોડી સાંજે હિંસક પ્રદર્શનનો દોર શરૃ થયો હતો જેથી ફાયર બ્રિગેડની ટીમને પણ પહોંચી જઇને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કરવા પડ્યા હતા. ભારે તોડફોડ, આગની ઘટના, હિંસક દેખાવો, લાઠીચાર્જના પરિણામ સ્વરુપે સ્થિતિ વણસી ગઈ હતી. અનેક થિયેટરોની બહાર આગ લગાવવામાં આવી હતી. એસજી હાઈવે પર ભારે તોડફોડ કરવામાં આવી હતી જેના લીધે પોલીસને સ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી. બાઈક સળગાવીને પણ વિરોધ પ્રદર્શન કરાયો હતો. કરણી સેના અને અન્ય સમુદાયના લોકોએ ઇસ્કોન બ્રિજ નજીક દુકાનો બંધ કરાવવામાં આવી હતી. અમદાવાદ શહેરના એસજી હાઈવે, વસ્ત્રાપુર, ડ્રાઇવઇનના આસપાસના વિસ્તારો, ઇન્કમટેક્સ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શનનો દોર ચાલ્યો હતો. એસજી હાઈવે એક્રોપોલિસ થિયેટરમાં હોબાળો મચાવવામાં આવ્યો હતો. અમદાવાદમાં પદ્માવત ફિલ્મનો વિરોધ કરનાર રાજપૂત સમુદાયના લોકોએ અનેક જગ્યાઓએ તોડફોડ કરી હતી. વાઈડ એંગલ, પીવીઆર સિનેમા પર દેખાવો કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં હિંસક પ્રદર્શનનો દોર ચાલી રહ્યો છે ત્યારે પોલીસ નિષ્ક્રિય દેખાઈ રહી હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. થલતેજથી ઇસ્કોન સુધીના રોડ  પર ચક્કાજામ કરીને અંધાધૂંધી સર્જવામાં આવી હતી. પીવીઆર સિનેેમા પર ટોળાએ પત્થરમારો કરીને કાંચ તોડીને નુકસાન કર્યું હતું. આ ઘટના બાદ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પહોંચી ગયો હતો. ગુરુકુળ રોડ પાસે આવેલા હિમાલય મોલમાં પણ આગચંપી કરવામાં આવી હતી. છેલ્લા ઘણા દિવસથી એક પછી એક થિયેટરોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે.અમદાવાદ ભળકે બળી રહ્યું છે ત્યારે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ અમદાવાદની સ્થિતિ અંગે માહિતી આપવાનો ઇન્કાર કર્યો છે. વાઇડ એંગલ, પીવીઆર, કાર્નિવલ સિનેમાં તોડફોડ કરવામાં આવી છે. મોડી સાંજે સ્થિતિ વણસી જતાં પોલીસ ઉપર પણ આક્ષેપબાજીનો દોર થઇ રહ્યો છે. કરણી સેનાના નામ ઉપર અસામાજિક તત્વો પણ હિંસા ઉપર ઉતરી આવ્યા હોવાના અહેવાલ મળ્યા છે. હિંસાના આ દોર વચ્ચે સામાન્ય લોકો પણ મુશ્કેલીમાં ફસાયા હોવાના અહેવાલ મળ્યા છે. વિરોધના નામે હિંસા શા માટે તેને લઇને પ્રશ્નો ઉઠી રહ્યા છે. સામાન્ય માણસોનો ગુનો શું છે તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. વસ્ત્રાપુરના આલ્ફા મોલ ખાતે હિંસક પ્રદર્શન થયું હતું.

(8:55 am IST)